કોહલી-અનુષ્કા ડિસેંબરમાં લગ્ન કરશે? માત્ર અફવા જ છે

0
1540

મુંબઈ – એવી વાતો ચગી છે કે ભારતનો ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ ડિસેંબરમાં લગ્ન કરવાના છે. તૈયાર વસ્ત્રોની એક નવી કમર્શિયલ જાહેરખબરમાં બંને જણ સાથે ચમક્યા હતા અને એમાં બંને જણને લગ્નજીવનનો સંકલ્પ લેતા દર્શાવવામાં આવ્યા છે.

એમાં વળી, કોહલીએ અંગત કારણોસર ડિસેંબરમાં પોતે ક્રિકેટ મેચો માટે ઉપલબ્ધ ન હોવાનું ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને જણાવ્યું હોવાનું બહાર આવતાં કોહલી-અનુષ્કાનાં લગ્નની અફવા વધારે મજબૂત બની હતી.

તે છતાં ‘વિરુષ્કા’નાં ચાહકોને નિરાશ કરતા સમાચાર એ છે કે આ અફવામાં કોઈ તથ્ય નથી.

અનુષ્કાનું કામકાજ સંભાળનાર એક ટેલેન્ટ એજન્સીએ એક મુલાકાતમાં કહ્યું છે કે, આ બધી અફવાઓ જ છે. એમાં કંઈ સત્ય નથી.

ઉલ્લેખનીય છે કે કોહલી અને અનુષ્કા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટિંગ કરી રહ્યાં છે.

પ્રશંસકો તો વિરાટ અને અનુષ્કાને ‘ક્રિકેટ-બોલીવૂડ મિલન’ યુગલ તરીકે ગણી રહ્યા છે. ક્યૂટ કપલ ઘણીવાર સાથે રજાઓ માણતાં, ડિનર લેતા, કોઈ લગ્ન સમારંભમાં તો બોલીવૂડની પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે.

કોહલી સાથે પોતાના સંબંધને અનુષ્કા જાહેરમાં બોલવાનું પસંદ કરતી નથી, પણ વિરાટ અનુષ્કા પ્રત્યેની પોતાની લાગણીને ખુલ્લંખુલ્લા વ્યક્ત કરી રહ્યો છે.