ધરતી પરનું સ્વર્ગ ગણાતું કશ્મીર છેલ્લા ઘણાં વર્ષોથી આતંકવાદની આગમાં હોમાઈ રહ્યું છે. વર્ષ 1989થી ઉગ્રવાદ અને તેના દમનની પ્રક્રિયા દરમિયાન હજારો લોકોના મોત થયા છે. કશ્મીરમાં વર્ષ 1987ની એક વિવાદીત ચૂંટણી બાદથી મોટાપાયે સશસ્ત્ર આતંકવાદની શરુઆત થઈ હતી. સૂત્રોનું માનીએ તો, રાજ્ય વિધાનસભા સાથે જોડાયેલા કેટલાક અસંતુષ્ટોએ એક આતંકી સંગઠનની સ્થાપના કરી જેણે કશ્મીર ઘાટીમાં સશસ્ત્ર આતંકવાદને પ્રોત્સાહન આપ્યું.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કશ્મીરને લઈને પોતાની નીતિઓમાં બદલાવ કર્યો છે અને રાજ્ય સરકાર સહિત બધા જ પક્ષો સાથે ચર્ચા કરવા સહમતિ દર્શાવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે, પૂર્વ આઈબી પ્રમુખ દિનેશ્વર શર્મા કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરશે અને દરેક પક્ષો સાથે ચર્ચા કરશે.
કશ્મીર માટે મોદી સરકારની નીતિ
જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી વિરોધ પક્ષો આરોપ લગાવતા રહ્યાં છે કે, કશ્મીર સમસ્યાના સમાધાન માટે મોદી સરકારે કોઈ નક્કર પગલા નથી લીધાં. જેથી મોદી સરકાર દ્વારા ચર્ચાની તૈયારીને કેન્દ્ર સરકારનું કશ્મીર સમસ્યાના સ્થાયી સમાધાન માટે નક્કર પગલું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં ગૃહપ્રધાન રાજનાથસિંહે કશ્મીરની મુલાકાત લીધી હતી અને વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને સ્થિતિ અંગે જાત માહિતી મેળવી હતી.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, સરકારના કોઈપણ પ્રતિનિધિ પર રોક લગાવવામાં આવશે નહીં. સરકારના પ્રતિનિધિ કોઈપણ પક્ષ સાથે મંત્રણા કરવા સ્વતંત્ર છે. વધુમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, તેઓ જાણવા માગે છે કે, કશ્મીરના લોકોની વાસ્તવિક માગણી શું છે.
આપને જણાવી દઈએ કે, આતંકી બુરહાન વાણીના એન્કાઉન્ટર બાદ કશ્મીર ઘાટીમાં ઘણાં દિવસો સુધી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. જે દરમિયાન વિરોધ પક્ષોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સરકાર વિરોધ પ્રદર્શન રોકવામાં નિષ્ફળ રહી છે.

કશ્મીરના અલગતાવાદી તત્વોસામે સરકાર પહેલેથી જ કડક હાથે કામ લઈ રહી છે. કારણકે વર્ષ 2013માં પાકિસ્તાનના વિદેશપ્રધાન સરતાજ અઝીઝની ભારત મુલાકાત પહેલા પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસીતે તેની ડિનર પાર્ટીમાં અલગતાવાદી નેતાઓને નિમંત્રણ આપ્યું હતું, જેનો કેન્દ્ર સરકારે વિરોધ કર્યો હતો. અને પાકિસ્તાન સાથેની ચર્ચાને તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવી હતી.
શું હતી વાજપેયી નીતિ?
આપને જણાવી દઈએ કે, જમ્મૂ-કશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તીએ પીએમ મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન પૂર્વ પીએમ અટલબિહારી વાજપેયીને યાદ કર્યા હતા અને કહ્યું કે, કશ્મીર સમસ્યાનું સમાધાન વાજપેયી નીતિને અનુસરીને જ શક્ય છે.

કશ્મીર સમસ્યાનું સ્થાયી સમાધાન લાવવા વાજપેયી નીતિ કારગર સાબિત થશે કે પછી આતંકીઓને તેની જ ભાષામાં જવાબ આપવાની મોદી નીતિ સફળ થશે એ તો આવનારો સમય જણાવશે. પણ હાલ તો આતંકવાદની આગમાં સળગતા કશ્મીરને કેવી રીતે શાંત કરવું એ ભારત માટે યક્ષ પ્રશ્ન છે.
(અહેવાલ- મંગલ પંડ્યા)