કર્ણાટક સંકટ પર સુપ્રીમનો નિર્ણય, સ્પીકર પર છોડ્યો ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય…

નવી દિલ્હીઃ કર્ણાટક સંકટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નવું ટ્વિસ્ટ આવી ગયું છે. સુપ્રીમ કોર્ટે 15 બાગી ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવાનો અધિકાર સ્પીકર કેઆર રમેશ પર છોડી દીધો છે. જો કે સુપ્રીમ કોર્ટે સાથે જ પોતાના નિર્ણયમાં બાગી ધારાસભ્યોને સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે બાધ્ય ન કરવાનો આદેશ કરીને કર્ણાટક સરકારને પણ ઝટકો આપ્યો છે. આ નિર્ણય બાદ બંન્ને પક્ષ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. હવે તમામની નજર ગુરુવારના રોજ થનારા એચડી કુમારસ્વામી સરકારના વિશ્વાસમત પર છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની પીઠે નિર્ણય સંભળાવતા કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય સ્પીકર લે. કોર્ટે કહ્યું કે સ્પીકર નિયમો અનુસાર નિર્ણય કરે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આપણે આ મામલે સંવૈધાનિક બેલેન્સ બનાવવું પડશે. સ્પીકર પોતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેમને સમયસીમાની અંદર નિર્ણય લેવા માટે બાધ્ય ન કરી શકાય. કર્ણાટક સરકારને ઝાટકો આપતા CJI એ કહ્યું કે 15 બાગી ધારાસભ્યોને પણ સદનની કાર્યવાહીનો ભાગ બનવા માટે રોકવામાં ન આવે. CJI એ કહ્યું કે આ મામલે સ્પીકરની ભૂમિકા અને દાયિત્વને લઈને પણ ઘણા સવાલો ઉઠ્યા છે. જેના પર પછી નિર્ણય લેવામાં આવશે. પરંતુ અત્યારે અમે સંવૈધાનિક બેલેન્સ કાયમ કરવા માટે પોતાનો અંતરિમ આદેશ જાહેર કરી રહ્યા છીએ.

બાગી ધારાસભ્યોના પક્ષમાં સુપ્રીમ કોર્ટમાં દલીલ કરનારા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ નિર્ણય પર કહ્યું કે કાલે થનારા વિશ્વાસ મતને જોતા સુપ્રીમ કોર્ટે બે મહત્વપૂર્ણ વાતો કહી છે. 15 બાગી ધારાસભ્યોને વિધાનસભાની કાર્યવાહીમાં શામિલ થતા રોકી ન શકાય. રોહતગીએ કહ્યું કે બાગી ધારાસભ્યો વિરુદ્ધ ત્રણ લાઈનનો વ્હીપ જાહેર કરીને તેમને વિધાનસભામાં કાલે થનારી કાર્યવાહીમાં ભાગ લેવાનો આદેશ આપવામાં આપવામાં આવ્યો હતો પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વ્હીપનો કોઈ મતલબ નથી રહેતો. આ સીવાય સ્પીકરને બાગી ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે આ સરકાર નથી ચાલનારી કારણ કે તેમની પાસે જરુરી બહુમત નથી. તેમણે કહ્યું કે કર્ણાટકના મુખ્યપ્રધાન પાસે બહુમત નથી. જ્યારે તેમની પાસે બહુમત નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. આ સંવિધાન અને લોકતંત્રની જીત છે, સાથે જ બાગી ધારાસભ્યોની પણ નૈતિક જીત છે. આ અંતરિમ આદેશ છે. સુપ્રીમ કોર્ટ ભવિષ્યમાં સ્પીકરની શક્તિઓ પર નિર્ણય કરશે.

કર્ણાટકના રાજકીય સંગ્રાંમમાં આવતીકાલનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે. આ જ દિવસે કુમાર સ્વામી સરકારનું બહુમત પરીક્ષણ થવાનું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે કર્ણાટકનો રાજકીય માહોલ ગરમાયો છે.