યૂનિટેકની સંપત્તિ વેચીને ચૂકવવામાં આવશે ખરીદદારોના નાણાં: SC

નવી દિલ્હી- મકાન ખરીદદારોના રુપિયા ચુકવવાને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર રિયલ એસ્ટેટ કંપની યૂનિટેકને ફટકાર લગાવી છે.આ સાથે જ કોર્ટે કંપનીને પોતાની બિન-વિવાદાસ્પદ સંપત્તિ અંગેની જાણકારી આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ખરીદદારોના રુપિયા પરત કરવા માટે કંપનીની બિન-વિવાદાસ્પદ સંપત્તિની હરાજી કરવામાં આવશે.ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે જે.એમ ફાઈનાન્શિયલ લિમિટેડ કંપની ઉપર પણ 25 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. મામલાને ખોટી દિશામાં લઈ જઈનો પ્રયાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે જે.એમ ફાઈનાન્શિયલ લિમિટેડ કંપની ઉપર આ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે.

આપને જણાવી દઈએ કે, જે.એમ ફાઈનાન્શિયલ લિમિટેડ કંપનીએ યૂનિટેકની લોનને ટેક ઓવર કરી છે. જેથી કોર્ટે કંપનીને ફટકાર લગાવતા કહ્યું કે, ‘તમે આ મામલાને ખોટી રીતે ડાયવર્ટ કરવા પ્રયાસ કરી રહ્યાં છો’.

ગતરોજ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન યૂનિટેક કંપનીએ પોતાની સંપત્તિની માહિતી કોર્ટમાં જમા કરાવી હતી. જોકે, કોર્ટે કંપનીની યાદીને અધુરી ગણાવી છે. અને કોર્ટે કંપનીને આદેશ કર્યો છે કે, આગામી સુનાવણી સુધીમાં સંપત્તિની પુરી માહિતી કોર્ટમાં જમા કરાવે. મળતી માહિતી મુજબ આ મામલાની વધુ યોગ્ય તપાસ માટે જાણકારોની નિમણૂંક કરવામાં આવી શકે છે. આ મામલે વધુ સુનાવણી 26 માર્ચે કરવામાં આવશે.