ક્યૂબામાં રાષ્ટ્રપતિની ચૂંટણી: 60 વર્ષ બાદ ‘કાસ્ત્રો યુગ’નો અંત

હવાના- ગતરોજ ક્યૂબાના નાગરિકોએ તેમના નવા પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન કર્યું. વિતેલા 60 વર્ષોમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે પ્રેસિડેન્ટ કાર્યાલયમાં કાસ્ત્રો પરિવારનું કોઈ જ સદસ્ય નહીં પહોંચે. આ ચૂંટણીમાં ક્યૂબાના 80 લાખથી વધુ નાગરિકોએ મતદાન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, ક્યૂબાના વર્તમાન પ્રેસિડેન્ટ રાઉલ કાસ્ત્રોનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પુરો થાય છે.વર્ષ 2008માં ક્યૂબાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવેલા રાઉલ કાસ્ત્રોએ વર્ષ 2013માં જાહેરાત કરી હતી કે, પ્રેસિડેન્ટ તરીકે આ તેમનો અંતિમ કાર્યકાશ રહેશે. હવે દેશની જનતા તેમના નવા પ્રેસિડેન્ટને નિયુક્ત કરશે.

હવે જ્યારે રાઉલ કાસ્ત્રોનો ઉત્તરાધિકારી ચૂંટવામાં આવશે ત્યારે ક્યૂબાના ઈતિહાસમાં વર્ષ 1959 બાદ આ પ્રથમ ઘટના હશે જ્યારે રાઉલ અથવા ફિદેલ કાસ્ત્રો સિવાય અન્ય કોઈ વ્યક્તિ પ્રેસિડેન્ટની ઓફિસ સંભાળશે. ક્યૂબાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ કૈનલને પ્રેસિડેન્ટના પદ માટે સૌથી લોકપ્રિય ઉમેદવાર માનવામાં આવે છે.

રાઉલ કાસ્ત્રો પહેલા ફેબ્રુઆરીમાં જ તેમનું પદ છોડવાના હતા. પરંતુ ઈરવા વાવાઝોડાથી ક્યૂબામાં થયેલી નુકસાની બાદ તેમનો કાર્યકાળ બે મહિના માટે વધારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈરમાને કારણે ક્યૂબામાં 13 અબજ ડોલરનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે, પ્રેસિડેન્ટ પદ છોડ્યા બાદ પણ રાઉલ કાસ્ત્રો કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી ચાલુ રાખશે. જેથી કહી શકાય કે, તોમની પાસે પ્રેસિડેન્ટ કરતાં પણ વધુ પાવર રહેશે.

રાઉલ કાસ્ત્રોએ તેમના ભાઈ ફિદેલ કાસ્ત્રોના સ્વાસ્થ્ય સંબંધી તકલીફને કારણે પદ છોડ્યા બાદ વર્ષ 2006માં દેશની સત્તા સંભાળી હતી. પરંતુ સત્તાવાર રીતે રાઉલ કાસ્ત્રો વર્ષ 2008માં ક્યૂબાના પ્રેસિડેન્ટ બન્યા હતાં. ઉલ્લેખનીય છે કે, લગભગ 60 વર્ષોથી ક્યૂબામાં કાસ્ત્રો ભાઈઓની સત્તા રહી છે. પરંતુ હવે નવા પ્રેસિડેન્ટની ચૂંટણી બાદ ક્યૂબામાં કાસ્ત્રો યુગનો અંત આવશે.