વડાપ્રધાન મોદીએ સરહદે ઉજવી દીવાળી, જવાનોના ઉત્સાહને વધાર્યો

હર્ષિલઃ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-ચીન સીમા પર સ્થિત હર્ષિલ સેનાના કેમ્પ ખાતે પહોંચ્યા હતા. અહીંયા તેમણે જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. વડાપ્રધાને અહીંયા જવાનોને સંબોધિત પણ કર્યા અને તેમના દેશ પ્રેમ અને જુસ્સાને સલામ કર્યા.અહીંયા 11 હજાર ફુટની ઉંચાઈ પર સ્થિત સેનાના બેઝ પર સેના પ્રમુખ અને આઈટીબીપીના ડીજી સાથે મુલાકાત કર્યા બાદ તેમણે જવાનો સાથે દિવાળી મનાવી, વડાપ્રધાન મોદીએ દીવાળીના અવસર પર મહાર રેજિમેન્ટના જવાનોને પહેલા તો મીઠાઈ ખવડાવી અને બાદમાં તેમની સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા.

જવાનોને સંબોધિત કરતા વડાપ્રધાને જણાવ્યું કે બરફની ચોટીઓ પર સુરક્ષામાં લાગેલા જવાનો રાષ્ટ્રની મજબૂતી વધારી રહ્યા છે અને સવા સો કરોડ દેશવાસીઓના સ્વપ્ન અને ભવિષ્ય સંવારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે દીવાળીએ ઉજાસનું પર્વ છે જે અચ્છાઈ ફેલાવે છે અને ડર અને ભયને દૂર કરે છે. વડાપ્રધાને જણાવ્યું કે જવાનોની પ્રતિબદ્ધતા અને અનુશાસનથી દેશના લોકોમાં સુરક્ષાની ભાવના રહેલી છે. વડાપ્રધાને જણાવ્યું કે જવાનો સાથે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારથી દીવાળી મનાવું છું.

આ પહેલા ગત વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીએ આઈટીબીપીના જવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે સમય વિતાવ્યો હતો. હર્ષિલમાં વડાપ્રધાને જણાવ્યું કે ભારત રક્ષા ક્ષેત્રમાં તેજ ગતીથી આગળ વધી રહ્યું છે. અને સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે પૂર્વ સૈન્યકર્મીઓની ભલાઈ માટે સરકાર ખૂબ કામ કરી રહી છે. આમાં વન રેન્ક વન પેન્શન યોજનાનો પણ સમાવેશ થાય છે.