ચોકીદારી પૂરી જવાબદારીથી નિભાવીશ, જનતાનાં પૈસા પર કોઈ પંજો પડવા નહીં દઉંઃ મોદી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણી પૂર્વે શાસક ભારતીય જનતા પાર્ટીના મૈં ભી ચોકીદાર પ્રચારના ભાગરૂપે અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આજે સાંજે ચોકીદાર સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એક કલાક અને 20 મિનિટ સુધી ચાલેલા આ કાર્યક્રમનું NaMo ટીવી દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમ વખતે ભાજપના અનેક ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન NaMo એપ પર લાઈવ જોવા મળ્યું હતુંઃ NaMo

આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાને વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી લોકોને સંબોધિત કર્યા હતા.

વડા પ્રધાન મોદીના સંબોધનનાં મુખ્ય અંશઃ

– પહેલી વાર મતદાન કરનારાઓને પ્રોત્સાહિત કરવા જ જોઈએ.

– મારી પ્રાથમિકતા ચૂંટણી નથી, મારી પ્રાથમિકતા મારો દેશ છે.

– આપણો દેશ 40 વર્ષોથી ત્રાસવાદથી પીડિત રહ્યો છે. એ માટે કોણ જવાબદાર છે એ સૌ કોઈ જાણે છે.

– 2014માં ભાજપાએ મને જવાબદારી સોંપી હતી. ત્યારબાદ મને દેશના ખૂણે ખૂણે જવાની જરૂર પડી હતી. ત્યારે મેં દેશની જનતાને કહ્યું હતું કે તમે મને જે જવાબદારી આપો છો એનો મતલબ એ કે તમે એક ચોકીદાર બેસાડો છો.

– ચોકીદારી કોઈ વ્યવસ્થા નથી કે ન કોઈ યુનિફોર્મની ઓળખ છે. એ તો એક ભાવના છે. આ ભાવના આજે જનતામાં સતત વધી રહી છે.

– સ્વચ્છતાનું આંદોલન દેશની જનતાનું આંદોલન બની ગયું છે.

– દેશભરનાં ચોકીદારોને મારાં નમસ્કાર. કરોડો પરિવારો સાથે વાતચીત કરવા મળી એ મારું સૌભાગ્ય છે.

– ચોકીદાર તરીકેની ફરજ નિભાવીશ. જનતા આ પૈસા પર કોઈ પંજો પડવા નહીં દઉં.

– ચોકીદારી મહાત્મા ગાંધીજીનો સિદ્ધાંત છે. ચોકીદારી એક ભાવના છે. 

– 125 ભારતવાસીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો. દેશની જનતા ઈચ્છે છે કે ચોકીદાર ફરી દેશ ચલાવે. 

– હું 2014માં જ કહી ચૂક્યો હતો કે જે લોકોએ દેશને લૂંટ્યો છે એમણે દરેક પૈસો પાછો આપવો પડશે. 

– હું એ લોકોને જેલના દરવાજા સુધી તો લઈ આવવામાં સફળ થયો છું. કોઈ જામીન પર છે. તો કોઈક જામીન માટે તારીખ લે છે. તો કોઈક કોર્ટના ચક્કર કાપે છે.

– પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક મેં નહોતા કર્યા, એ તો દેશના જવાનોએ કર્યા હતા. જવાનોને બધાય તરફથી સલામ.

– એર સ્ટ્રાઈકનો નિર્ણય એટલા માટે લઈ શક્યો હતો કે મને સેનાની તાકાત અને શિસ્ત પર ભરોસો હતો.

– હું મારા રાજકીય ભવિષ્ય વિશે વિચારતો નથી. જો મેં એવો વિચાર કર્યો હોત તો મારે પ્રધાનમંત્રી બનવાની જરૂર નહોતી.

– હું આગળ-પાછળ કોઈ ચિંતા રાખતો નથી.

– 30 વર્ષ પછી દેશવાસીઓએ મારી સરકારને બહુમતી આપી હતી. મારી સફળતાનું રહસ્ય છે, લોકોની મારી સાથેની ભાગીદારી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, રવિવારે સાંજે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે મૈં ભી ચોકીદાર સંવાદ સંમેલનમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા અને એ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમ દ્વારા 500 જેટલા સ્થળોએ એમનો કાર્યક્રમ જોઈ રહેલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.