NRCમાંથી બાકાત રખાયેલા કોઈને વિદેશી ઘોષિત કરવામાં નહીં આવેઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હી – નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ના આજે પ્રકાશિત કરાયેલા મુસદ્દામાંથી જે લોકોને બાકાત રાખવામાં આવ્યા છે એમને વિદેશી તરીકે ઘોષિત કરવામાં નહીં આવે, કારણ કે આ માટેની સત્તા માત્ર ટ્રિબ્યુનલ્સને જ આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ ઉપાય માટે ટ્રિબ્યુનલ્સનો સંપર્ક કરી શકે છે, એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું છે.

NRCને સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ અપડેટ કરવામાં આવી રહ્યું છે. આ એક બિનસાંપ્રદાયિક પ્રક્રિયા છે અને કોઈ ચોક્કસ સમાજને ટાર્ગેટ બનાવવામાં આવ્યો નથી. તમામ અસલ ભારતીય નાગરિકોને એમનું નાગરિકત્વ પુરવાર કરવા માટે સમાન તક આપવામાં આવશે.

NRC રાજ્યના નાગરિકોની એક યાદી છે અને એમાં કોઈના નામ સામેલ ન થાય તો એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિ આપોઆપ વિદેશી બની જાય છે, એવી સ્પષ્ટતા અધિકારીએ કરી છે.

કોઈ વ્યક્તિને વિદેશી ઘોષિત કરવાની સત્તા ખાસ આ હેતુ માટે રચવામાં આવેલા ફોરેનર્સ ટ્રિબ્યુનલને આપવામાં આવી છે. કોઈ પણ ફરિયાદી NRCના સત્તાવાળાઓ સાથે ઉપલબ્ધ વિકલ્પોમાં નિષ્ફળ ગયા બાદ ફોરેનર્સ ટ્રિબ્યુનલનો સંપર્ક કરી શકે છે.

NRC એક એપ્લિકેશન-બેઝ્ડ પ્રક્રિયા છે તેથી જો કોઈ વ્યક્તિ એમાં સમાવેશ કરવા માટે પોતાનું નામ નહીં નોંધાવે તો યાદીમાં એનું નામ નહીં આવે, પછી એ ગમે તેવી નામાંકિત વ્યક્તિ પણ કેમ ન હોય.

ઉલ્લેખનીય છે કે, આજે આસામના પાટનગર ગુવાહાટીમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા શૈલેશે જાહેરાત કરી હતી કે કુલ 3,29,91,384 અરજદારોમાંથી 2,89,83,677 લોકો NRCના મુસદ્દામાં સમાવેશ માટે યોગ્ય ઠર્યા છે.

આ યાદીમાં આશરે 40,07,707 અરજદારોનું નામ સામેલ થયું નથી.

દરમિયાન, માનવાધિકારોના રક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના ભારતીય વિભાગે કહ્યું છે કે આસામમાં આજે પ્રકાશિત કરાયેલા મુસદ્દા NRCમાંથી એવા ઘણા લોકો એમની રાષ્ટ્રીયતાથી વંચિત રહી ગયા છે જેઓ દાયકાઓથી ભારતમાં રહે છે.

એમ્નેસ્ટી સંસ્થાએ સરકારને વિનંતી કરી છે કે અપીલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવામાં આવે જેથી તમામ અપીલ પર પારદર્શક રીતે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રક્રિયા હાથ ધરવામાં આવે.