મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહને ઉશ્કેરવામાં ભાજપ સફળ થશે?

રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. મારવાડી વેપારી વ્યવહારુ પ્રજા કહેવાય. ગુજરાતીઓ પણ વેપારી અને વ્યવહારુ કહેવાય છે, પણ આ બાબતમાં સમજતા લાગતા નથી. દર પાંચ વર્ષે સરકાર બદલી નાખવાના ફાયદા છે, પણ અહીં મુદ્દો એ નથી કે રાજસ્થાનનો પણ નથી. રાજસ્થાનમાં ભાજપ હારશે તેનો વધારે આંચકો નહીં લાગે, કેમ કે દર પાંચ વર્ષે સરકાર બદલવાની પેટર્નનું સારામાં સારું બહાનુ છે. ભાજપને વધારે ચિંતા મધ્યપ્રદેશમાં છે. હિન્દી પટ્ટામાં ગણાતું મધ્યપ્રદેશ એક જ રાજ્ય ભાજપ પાસે વધ્યું છે, જ્યાં સતત સત્તા પર રહી શકાયું છે.
યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ ચાર મુખ્ય રાજ્યો (પાંચ નાના રાજ્યો પણ ખરા – હરિયાણા, હિમાચલ અને ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ) હિન્દી પટ્ટાના છે. હિન્દી બેલ્ટના આ રાજ્યોમાં અને ગુજરાત મહારાષ્ટ્રમાંથી જ ભાજપ ધીમે ધીમે રાષ્ટ્રીય પક્ષ બન્યો છે. યુપીમાં લાંબા સમય પછી જબરી સફળતા મળી છે, પણ બિહારમાં પ્રાદેશિક સાથી સિવાય ચાલે તેમ નથી. તેની સામે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રાદેશિક પક્ષ નથી અને સીધો કોંગ્રેસ સામે જ મુકાબલો છે. તેનો ફાયદો મધ્યપ્રદેશમાં મળતો રહ્યો છે, પણ રાજસ્થાનમાં મળતો નથી.
ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ સતત ચોથીવાર જીત મેળવવી ભાજપ માટે જરૂરી છે, જેથી મૂળ ઓળખ હિન્દુ, હિન્દી, હિન્દુસ્તાન જળવાઈ રહે. પરંતુ મધ્યપ્રદેશમાં પણ ભાજપ સામે ફાઇટ છે તેથી દિગ્વિજયસિંહ વારેવારે ભાજપને યાદ આવે છે. રાષ્ટ્રીય લેવલે જે રીતે સતત રાહુલ ગાંધી પર પ્રહારો થાય  અને દરેક વાતમાં ’70 વર્ષનું’ કોંગ્રેસનું શાસન યાદ કરાય છે, તે રીતે મધ્યપ્રદેશમાં સતત દિગ્વિજયસિંહના 10 વર્ષનું શાસન યાદ કરાવાય છે.
દિગ્વિજયસિંહ ભાજપને બહુ ઉપયોગી માણસ છે. તેમની જીભ કુહાડા કરતાંય ખતરનાક છે અને કોંગ્રેસના મતોના ફાડીએફાડિયા કરી નાખી શકે છે. દિગ્વિજયસિંહને ઘણા વખતથી સાઇડ લાઇન કરી નખાયા છે, પણ તેમની જીભને કાબૂમાં રાખવી મુશ્કેલ છે. હાલના સમયમાં કોઈ મોટો ગુબ્બારો તેમણે છોડ્યો નથી એટલે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ બરાબર તેમની પાછળ પડી ગયા છે. જન આશીર્વાદ યાત્રાઓ શરૂ થઈ ગઈ છે. સરકારી ખજાનાનો ઉપયોગ કરીને ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલાં પ્રચાર કરી લેવાનો નવો ચાલ ચાલ્યો છે. ચૂંટણીના પાંચ મહિના પહેલાં આવી યાત્રાઓ કાઢી લેવાની અને ખર્ચા કરીને રાજી કરવાના હોય તે લોકોને રાજી પણ કરી લેવાના.
કેટલાકને નારાજ કરવાના. દિગ્વિજયસિંહ નારાજ થાય તે માટે શિવરાજસિંહ સતત એવો પ્રચાર કરે છે કે તેમના 10 વર્ષના શાસનને કારણે મધ્યપ્રદેશ પછાત રહી ગયું છે. તે પછી 15 વર્ષ પસાર થઈ ગયા છે તે તેમને યાદ આવતું નથી અને પોતાના શાસનમાં શું થયું છે તેના જવાબો પણ તેમને જડતા નથી. પણ આ હસવું આવે તેવી રીત કેન્દ્રમાં પણ ચાલે છે. કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં કશું થયું જ નથી એવું બિન્ધાસ્ત કહેવામાં આવે ત્યારે હસવું આવે છે. આ 70 વર્ષમાં દસ વર્ષ ભાજપના શાસનના પણ આવી જાય છે તે સૂત્રો પોકારતી વખતે ભૂલી જવાય છે. 70માંથી દસ વર્ષ ભાજપના પણ ખાડે ગયા એમ સમજી લો.
દિગ્વિજયસિંહના 10 વર્ષના શાસનમાં બીજલી, સડક, પાની કશાનું કામ થયું નહોતું એવું જન આશીર્વાદ રેલીમાં તેઓ સતત પ્રચાર થતો રહ્યો. જોકે લોકોને છેલ્લા 15 વર્ષમાં શું થયું છે તેના જવાબો જોઈએ છે એટલે મૌન રહીને સાંભળ્યા કરે છે. દિગ્વિજયસિંહે પણ કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. તેમને પણ પક્ષની કડક સૂચના છે કે મૌન રહેવું.
જોકે ગયા અઠવાડિયે સતનામાં જન આશીર્વાદ યાત્રામાં ચૌહાણે જૂની રીત અપનાવી. ત્રાસવાદના મુદ્દે ઉશ્કેરવાની કોશિશ કરી. દિગ્વિજયસિંહ ત્રાસવાદીઓને પાળેપોષે છે એવો ઉશ્કેરણીજનક આક્ષેપ ચૌહાણે કર્યું. આ મુદ્દે દિગ્વિજયસિંહ ચૂપ નહિ રહી શકે એવું તેમની ગણતરી હતી. તે ગણતરી સાચી પણ પડી. દિગ્વિજયસિંહે પડકાર ફેંક્યો કે આક્ષેપો સાબિત કરો.
26 જુલાઈએ દિગ્વિજયસિંહે ભોપાલમાં ધરણા પણ કર્યા અને ધરપકડ વહોરી લીધી. તેમણે કહ્યું કે મારી સામે તમે દેશદ્રોહનો જ આરોપ મુકો અને મને જેલમાં નાખો. જોકે પોલીસે તેમની અટકાયત કરીને જ વાત પૂરી કરી દીધી. દિગ્વિજયસિંહે કહ્યું કે પોતે મુખ્યપ્રધાન સામે બદનક્ષીનો દાવો પણ માંડશે. આ ઉશ્કેરણી કેટલી આગળ વધે છે અને દિગ્વિજયસિંહ કોઈ સ્ફોટક નિવેદન કરે છે કે કેમ તેની જ ભાજપ હવે રાહ જોઈને બેઠું છે.
જોકે કોંગ્રેસે આ વખતે દિગ્વિજયસિંહને મુખ્ય કારોબારમાંથી દૂર રાખ્યા છે. કમલ નાથને સંગઠનનું સૂકાન સોંપાયું છે, જ્યારે યુવાન અને નવી નેતાગીરી તરીકે જ્યોતિરાદિત્ય સિંઘિયાને આગળ કરાયા છે. તેમના નિવેદનો બહુ ચગે નહિ તેની પણ કોંગ્રેસે કાળજી લીધી છે. પ્રવક્તા તરીકે ક્યાંય તેમને આગળ કરાયા નથી. ખુદ દિગ્વિજયસિંહે નર્મદા પરિક્રમા કરી ત્યારે કહ્યું હતું કે પોતે કોઈ ઉશ્કેરણીને વશ થઈને નિવેદનો નહિ આપે. ભાજપને જેટલા પ્રહારો કરવા હોય તેટલા કરે, પોતે પ્રતિસાદ નહિ આપે એવું તેમણે પરિક્રમા વખતે કહ્યું હતું.
જોકે પરિક્રમા વખતે કદાચ તેઓ આધ્યાત્મિક મૂડમાં હશે. પરિક્રમામાંથી માણસ બહાર આવે એટલે ફરી જીવનચક્રમાં ફસાઇ જતો હોય છે. રાજકીય જીવનનું ચક્ર કદી અટકે જ નહિ. કરુણાનીધિ પથારીવશ છે, પણ તામિલનાડુનું રાજકારણ તેમની આસપાસ ફરતું રહે છે. દિગ્વિજયસિંહના દિલ દિમાગ પણ રાજકારણીના છે. તેઓ કેટલો સમય શાંત રહી શકશે તે સવાલ છે.
યુપીમાં કોમવાદ, બિહારમાં પણ કોમવાદ વત્તા જ્ઞાતિવાદ કામ આવ્યો છે. રાજસ્થાનમાં કોમવાદ કામ આવે તે માટેના પ્રયાસો ચાલે છે. અનામત આંદોલન અને ફિલ્મના વિરોધના બહાને નજીકના ભૂતકાળમાં જ્ઞાતિવાદ ચલાવવાના પણ પ્રયાસો થઈ ચૂક્યા છે. તે બધા વચ્ચે મધ્યપ્રદેશ અનોખો પ્રદેશ છે. કોમવાદ અને જ્ઞાતિવાદના મુદ્દા સીધી રીતે મધ્યપ્રદેશમાં અસરકારક રહ્યા નથી ત્યારે આ વખતે તે મુદ્દા પ્રબળ થાય તેવી કોશિશો પણ થશે, કેમ કે ખેડૂતોના અસંતોષનો મુદ્દો પ્રબળ બને તે ચૂંટણીમાં નડે તેવો છે.
ભડકાઉ મુદ્દા ઉપસાવવા માટે દુશ્મન જોઈએ. દુશ્મન ના હોય ત્યારે કોઈને ઊભો કરવો પડે. લોકોને દાનવ દેખાડવો પડે. મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ આ બાબતમાં ઉપયોગી થાય તેવા છે એટલે અત્યારે તેમને ઉશ્કેરવા માટેની કોશિશ ચાલુ છે. ઉશ્કેરાયેલા દિગ્વિજયસિંહ રાજસ્થાનમાંય કામ આવે અને આગળ જતા લોકસભાની ચૂંટણીમાં પણ કામ આવે. જોઈએ હવે દિગ્વિજયસિંહને કોંગ્રેસ ક્યાં સુધી શાંતિ રાખી શકે છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]