નિર્ભયા કેસના આરોપીઓને કોઈ રાહત નહીં, સુપ્રીમ કોર્ટે ફાંસી યથાવત રાખી

નવી દિલ્હી- નિર્ભયા ગેંગરેપ મામલે સુપ્રીમ કોર્ટે આજે ચાર પૈકી ત્રણ આરોપીઓની પુન:વિચાર અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. જેમાં સર્વોચ્ચ અદાલત તરફથી ગેંગ રેપના આરોપીઓને કોઈ જ રાહત આપવામાં આવી નથી. અને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, નિર્ભયા કાંડના ચાર આરોપીઓમાં સામેલ અક્ષયકુમાર સિંહે સુપ્રીમ કોર્ટે ગત 5 મે 2017ના રોજ આપેલા ચુકાદા વિરુદ્ધ પુન:વિચાર અરજી દાખલ કરી નથી. અક્ષયકુમાર સિંહના વકીલે જણાવ્યું કે, અક્ષયે હજી સુધી પુન:વિચાર અરજી દાખલ કરી નથી પણ અમે પુન:વિચાર અરજી ફાઈલ કરીશું.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર. ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠ નિર્ભયા કાંડના આરોપી મુકેશ (ઉંમર 29), પવન ગુપ્તા (ઉંમર 22) અને વિનય શર્માની પુન:વિચાર અરજી પર આજે તેમનો ચુકાદો સાંભળાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેના વર્ષ 2017ના ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટ અને નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલા 23 વર્ષના પેરામેડિક વિદ્યાર્થીની મોતની સજાને યથાવત રાખી હતી. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ છ લોકો નિર્ભયા સાથે દક્ષિણ દિલ્હી વિસ્તારમાં ચાલુ બસે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. અને ગંભીર રીતે ઘાયલ થયેલી નિર્ભયાને રસ્તા પર ફેંકી દીધી હતી. નિર્ભયાનું સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 29 ડિસેમ્બર 2012ના રોજ મૃત્યુ થયું હતું.

આરોપીઓ પૈકી એક રામસિંહે દિલ્હીની તિહાડ જેલમાં આત્મહત્યા કરી હતી. અન્ય એક આરોપી જે સગીર વયનો હતો તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ બાળ વિકાસ ગૃહમાં રાખ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.