‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના કલાકાર (ડો. હાથી) કવિકુમાર આઝાદનું પ્રચંડ હાર્ટ એટેકથી નિધન

મુંબઈ – સબ ટીવી પરથી પ્રસારિત થતી લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોકુલધામ સોસાયટીના માનીતા સભ્ય અને ઓવરવેઈટ ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર કલાકાર કવિકુમાર આઝાદનું આજે સવારે અહીંની પડોશના મીરા રોડમાં નિધન થયું છે. એમની તબિયત નાજુક થતાં એમને મીરા રોડની વોકાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમની વય ૪૫ વર્ષની હતી.

૧૯૭૩ની ૧૨ મેએ જન્મેલા કવિકુમાર આઝાદને હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો એમ સિરિયલના સર્જક અસિતકુમાર મોદીએ કહ્યું છે.

મોદીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘અમને એ જણાવતા ઘણું જ દુઃખ થાય છે કે અમારા સિનિયર કલાકાર કવિકુમાર આઝાદનું નિધન થયું છે. એ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ડો. હાથીનું પાત્ર ભજવતા હતા. આજે સવારે એમને હૃદયરોગનો પ્રચંડ હુમલો આવતા અમે એમને ગુમાવી દીધા છે.’

મોદીએ વધુમાં જણાવ્યું છે કે, ‘આઝાદ ઉત્કૃષ્ટ અભિનેતા હતા અને એકદમ સકારાત્મક અભિગમવાળા વ્યક્તિ હતા. એમને આ શો કરવો ખૂબ જ ગમતો હતો અને ક્યારેક તબિયત સારી ન હોય તો પણ શૂટિંગ માટે આવી જતા હતા. એમણે આજે સવારે જ ફોન કરીને જણાવ્યું હતું કે એમને સારું નથી લાગતું તો આજે શૂટિંગ માટે આવી નહીં શકે. બાદમાં અમને સમાચાર મળ્યા કે એમનું નિધન થયું છે. અમે સૌ સ્તબ્ધ થઈ ગયા છીએ.’

કવિકુમાર આઝાદ અપરિણીત હતા. મીરા રોડમાં એમના પિતા અને ભાઈની સાથે રહેતા હતા. કવિકુમારના નિધનને લીધે ગોરેગાંવ સ્થિત ફિલ્મસિટીમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ હાલ બંધ રાખવામાં આવ્યું છે.

કવિકુમારે આમીર ખાન અભિનીત ‘મેલા’ અને ‘ફન્ટૂશ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ નાનકડી ભૂમિકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલે તેના પ્રસારણના 10 વર્ષ અને 2,500 એપિસોડ્સ હાલમાં જ પૂરા કર્યા છે અને એક રેકોર્ડ બનાવ્યો છે.

ઈશ્વર કવિકુમાર આઝાદના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]