સુપ્રીમ કોર્ટ SC-ST એક્ટ નિર્ણયમાં બદલાવ નહીં કરે તો વટહુકમ લાવી શકે છે સરકાર

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટ SC-ST એક્ટ અંગે આપેલા તેના ચુકાદામાં જો બદલાવ નહીં કરે તો મોદી સરકાર આ અંગે વટહુકમ લાવી શકે છે. સૂત્રોનું માનીએ તો, વિપક્ષના વિરોધ બાદ કેન્દ્ર સરકાર આ મુદ્દે વટહુકમ લાવવા વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, BSP ચીફ માયાવતીએ પણ કેન્દ્ર સરકારને આ અંગે વટહુકમ લાવવા અપીલ કરી છે.મળતી માહિતી મુજબ પીએમ નરેન્દ્ર મોદી દેશની દલિત જનતાને વિશ્વાસ આપાવવા ઈચ્છે છે કે, તેમની સરકાર દલિત સમુદાયના વિરોધમાં નથી. ઉલ્લેખનીય છે કે, SC-ST એક્ટમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો.

આ ઘટનાક્રમ વચ્ચે બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર ખરેખર દલિતો અંગે વિચારતી હોય તો  કેન્દ્ર સરકારે SC-ST એક્ટ પર વટહુકમ લાવવો જોઈએ. મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને પણ સંકેત આપ્યા કે, જરુર જણાશે તો SC-ST એક્ટને મજબૂત કરવા સરકાર વટહુકમ લાવી શકે છે. રામવિલાસ પાસવાને કહ્યું કે, અમને આશા છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજીમાં સુપ્રીમ કોર્ટ કાયદામાં રાહત આપશે.

આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ મામલે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાથી ઉત્પન્ન થયેલા ભ્રમ અને જજમેન્ટ પર ફરીવાર વિચાર કરીને નિર્ણયને પરત લઈને નાબૂદ કરી શકાય છે. સૂત્રોનું માનીએ તો, જો સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની પુન: વિચાર અરજી રદ કરે તો આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર વટહુકમનો સહારો લઈ શકે છે.