શનિ 18 એપ્રિલથી વક્રી, વૈશ્વિક રાજકારણ અને રાશિઓ પર અસર

જ્યોતિષનો સાર એટલે શનિ મહારાજ, કહેવાય છે કે જેણે શનિને ઓળખી લીધો તેણે જ્યોતિષ આત્મસાત કરી લીધું. આ આગવું મહત્વ ધરાવતા શનિ મહારાજ ધન રાશિમાં આગામી ૧૮ એપ્રિલ ૨૦૧૮એ વક્રી થશે. ધન રાશિમાં વક્રગતિએ ૮ અંશ ૨૬ કળા સુધી જઈને તારીખ ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ પછી શનિની ગતિ (પૃથ્વીની સાપેક્ષે) માર્ગી થશે. શનિ અને ગુરુ બંને મોટા ગ્રહો હોઈ બંને ગ્રહોના રાશિ પરિવર્તન અને યુતિઓ નવી સામાજિક અને રાજકીય ઘટનાઓને અચૂક જન્મ આપે છે. ગત માસે મંગળ અને શનિની યુતિએ એક મહિના અગાઉ પ્રકાશિત લેખ મુજબ, ૩૦ માર્ચની આસપાસ અનેક હુલ્લડો અને દેશવ્યાપી અંદોલનના દર્શન કરાવ્યાં. વૈશ્વિક સ્તરે મંગળ અને શનિની યુતિના સમયે જ ઉત્તર કોરિયા અને ચીનના શાસકોએ પણ હાથ મિલાવ્યાં. આ બાજુ અમેરિકા અને રશિયા વચ્ચે પણ સંબંધોમાં વધુ ખટાશ આવી ગઈ. આ બધું કેમ ૩૦ માર્ચની આસપાસ થયું? ગ્રહો તેમની અસર સમગ્ર દુનિયા પર કરે જ છે, કદાચ તેનો જ આ પુરાવો હોય.

શનિ શિવસ્વરૂપ કહેવાયાં છે, કર્મ અને કાળનું પ્રતિનિધિત્વ કરે છે, તો સૂર્ય એ વિષ્ણુસ્વરૂપ છે. શનિ એ ન્યાયનો દેવ છે, જગત પર કર્મફળથી અંકુશ કરવાનું કાર્ય શનિ મહારાજના હાથમાં છે. શનિ વક્રી થતાં ધન રાશિના જાતકો સાથે જેઓને શનિની મહાદશા ચાલી રહી છે, તેવા જાતકોને આ વક્રી ભ્રમણ કસોટીનો સમય પુરવાર થઇ શકે છે. જન્મકુંડળીના જે ભાવમાં શનિનું ભ્રમણ થઇ રહ્યું છે, તે ભાવજનિત બાબતોમાં ગંભીર વળાંક અને ચાલુ થયેલ કાર્યમાં ઓચિંતી રુકાવટનો અનુભવ થઇ શકે. જ્યાં શનિ મહારાજ ભ્રમણ કરે છે, ત્યાં અન્ય કોઈ ગ્રહનું જલ્દી ચાલતું નથી તેવો અનુભવ છે.ઉત્તરા ભાદ્રપદ, આર્દ્રા, હસ્ત અને પૂર્વષાઢા નક્ષત્રમાં જેમનો જન્મ હોય તે જાતકોને ચિંતા વધી શકે. જે જાતકોનો જન્મ ૮ તારીખે છે, મકાન, પેઢી કે દુકાન ૮ નંબર સાથે સંકળાયેલ છે તેઓને પોતાના જીવન વ્યવહારમાં આ પાંચ મહિના કાર્યમાં વધુ મહેનત સાથે સ્થગિતતા જોવા મળી શકે. કોઈ નવા કાર્ય જલદી હાથ પર આવે નહીં, પરંતુ જે કાર્ય છે તે પણ નક્કર ગતિથી ચાલ્યાં કરે તેમ બને. તેલ, બાંધકામ, કોલસા, લોખંડ, ડુંગળી, તમાકુ, પથ્થર વગેરેના વ્યવસાયોમાં સ્થગિતતા સાથે, પેદાશો કે કાચો માલ ખૂટતાં બનાવટી તેજી પણ આવી શકે. દેશની જન્મકુંડળીમાં આઠમા ભાવે શનિ મહારાજ વક્રી થતાં સત્તાને પીઢ-અનુભવી વ્યક્તિઓને કારણે મનોમંથન કરવું પડી શકે. સરકાર વધુ સક્ષમ કાયદા ઘડે અને દેશની પ્રજાને નવા કાયદાઓ પણ જોવા મળી શકે. દેશના રાજકારણમાં પાટલી બદલવાની મોસમ આવી જાય તો નવાઈ નહીં. ખેડૂત, ખાણમાં કામ કરતો વર્ગ અને શ્રમજીવીવર્ગની સરકારે વિશેષ દરકાર રાખવી પડી શકે. દેશમાં આ પાંચ મહિના મોસમમાં ઋતુ વિરુદ્ધ મોસમ પરિવર્તન અને વૈશ્વિક સ્તરે વાયુ અને જલ પ્રકોપના કિસ્સા પણ વાંચવા મળી શકે. મહાસત્તાઓ વચ્ચે મંત્રણાનો અભાવ અને ગેરસમજના પ્રસંગ થઇ શકે. બજારમાં શુષ્કતા જણાય, વૈશ્વિક આર્થિક સત્તાઓ ઠંડી રહે, મૂડીરોકાણના  પ્રવાહોમાં ઘટાડો જોવા મળી શકે. બજાર શુષ્ક અને ઠંડું રહે, તેવું બની શકે.

મેષ: નવમે શનિનું ભ્રમણ પિતાને તકલીફ, લાંબી મુસાફરીમાં રુકાવટ આપી શકે. મહત્ત્વના કાર્યોને  જલદી હાથ પર લેવા પડી શકે. નોકરીમાં બદલાવ આવી શકે, તેની સંભાવના પ્રબળ, ગણેશજી કે કાર્તિકસ્વામીની ઉપાસના કરવી.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને આઠમે શનિનું ભ્રમણ ખૂબ જ તકલીફદાયી રહે. શારીરિક કષ્ટ આવી શકે. શરીરની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં કાર્ય બાબતે ચિંતા વધી શકે. મહાદેવની ઉપાસના માનસિક શાંતિ માટે લાભદાયી રહે.

મિથુન: વ્યવસાય વિષયક બાબતોમાં વધુ મહેનત કરવી પડે, મહત્વના નિર્ણયોમાં ઉતાવળ કરવી પડી શકે. લગ્ન વિષયક બાબતોમાં ઢીલ છોડીને જલદી નિર્ણય કરવો. દુર્ગા કે અંબાજીની ઉપાસના કરવાથી કાર્યોમાં વિઘ્ન દૂર થાય.

કર્ક: છઠે ભાવે શનિનું ભ્રમણ તમારા માટે શુભ અને અશુભ બંને છે, શત્રુઓ તમને વશ રહેશે પણ તમે પોતે કાયદા કે ભૂલને લીધે તકલીફમાં ના મૂકાઓ તેનું ધ્યાન રાખશો. કોઈની સાથે શત્રુતાનો ત્યાગ કરવો. લક્ષ્મીજીની ઉપાસના લાભદાયી.

સિંહ: પાંચમે ભાવે શનિ મહારાજ તમારા નવા વિચારો કે યોજનાઓ પર થોડો સમય ગ્રહણ મૂકી દે તેવું બની શકે. માર્કેટિંગ, લેખન અને કળા જેવી બાબતોમાં વધુ મહેનત કરવી પડે. સંતાન વિષયક ચિંતા રહે. સુખ અને શાંતિ માટે વિષ્ણુ સહસ્ત્રનામ વાંચવા.

કન્યા: ચતુર્થ ભાવે શનિ વક્રી થતાં તમને શાંતિ અને આરામની વિશેષ જરૂરત રહેશે, તમે ઓફિસ કે ઘર બંને સ્થળે તાલમેલનો અભાવ અનુભવો. નવી નોકરી માટે તમારા પ્રયત્નો ફળશે પરંતુ રાહ જોવી પડી શકે. દુર્ગા કે અંબાજીની ઉપાસના કરવાથી કાર્યોમાં વિઘ્ન દૂર થાય.

તુલા: તુલા રાશિના જાતકોને ત્રીજા ભાવે શનિનું ભ્રમણ શુભ છે. તમે કાર્યમાં સુંદર દેખાવ કરી શકો. વિદ્યાર્થી વર્ગને સફળતા મળી શકે. કાયદાકીય બાબતોમાં તમારી જીત થઇ શકે. ઘરમાં સુવિધા બાબતે  ખર્ચ થઇ શકે. મહાદેવની ઉપાસના કરવાથી શાંતિ અને સુખમાં વધારો થાય.

વૃશ્ચિક: બીજા ભાવે શનિનું વક્રી ભ્રમણ કૌટુંબિક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે તેનું સૂચન કરે છે. કૌટુંબિક બાબતોને લઈને ખર્ચ વધી શકે. આર્થિક આવક વધી શકે પરંતુ તમારે ખર્ચ પર કાબૂ કરવો પડશે. ગણેશજી કે કાર્તિકસ્વામીની ઉપાસના કરવી.

ધન: ધન રાશિના જાતકોએ આ સમય દરમ્યાન ખૂબ શાંતિથી અને મન સ્થિર રાખીને કાર્ય કરવું જોઈએ. કાર્યમાં સફળતા ન મળે તો નિરાશ થવું નહીં. આ સમય દરમિયાન ખોટા સાહસથી બચવું. મહામૃત્યુંજયના જાપ કરવાથી માનસિક શાંતિ મળી શકે.

મકર: મકર રાશિના જાતકોને બારમે શનિ વક્રી થતાં થોડી રાહત સાથે ભવિષ્યની ચિંતા પણ આવી શકે. નોકરીમાં બદલાવ આવી શકે. આવક બાબતે ચિંતા રહ્યાં કરે. ઘર અને વ્યવસાયમાં બદલાવ આવી શકે. હનુમાનજીની ઉપાસના લાભદાયી રહે.

કુંભ: કુંભ રાશિના જાતકોને શનિનું વક્રી ભ્રમણ લાભ આપી શકે. નોકરી કે વ્યવસાયમાં બઢતી સાથે લાભ અને કાર્ય સફળતા મળી શકે. સામાજિક બાબતોમાં તમે સફળ થાઓ. લાંબા સમયથી ચાલતા પ્રશ્નોમાં તરત સમાધાન થઇ શકે. હનુમાનજીની ઉપાસનાથી સફળતા મળી શકે.

મીન: મીન રાશિના જાતકોને શનિ મહારાજ દસમે નોકરી અને વ્યવસાયમાં પરિવર્તનો દોર લાવી શકે, વ્યવસાયની જગ્યા કે નોકરીમાં જવાબદારીઓમાં બદલાવ આવી શકે, બઢતીની તક મળી શકે. ઘરમાં આનંદનો માહોલ રહે. પોતાના ગુરુના દર્શન કે દત્તાત્રેયની ઉપાસના લાભદાયી રહે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]