વિપક્ષોએ બજેટ સત્રની કાર્યવાહી ખોરવી તેના વિરોધમાં પીએમ મોદી, અમિત શાહ ઉપવાસ કરશે

નવી દિલ્હી – સંસદના બજેટ સત્રમાં વિરોધપક્ષના સભ્યોએ કાર્યવાહી વારંવાર ખોરવી નાખી તેના વિરોધમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ 12 એપ્રિલના ગુરુવારે એક દિવસના ઉપવાસ પર બેસશે.

બજેટ સત્ર ગઈ 29 જાન્યુઆરીએ શરૂ થયું હતું, એનું બીજું ચરણ 6 એપ્રિલે પૂરું થયું હતું. આ સત્રમાં કાર્યવાહીના 121 કલાકો વેડફાઈ ગયા હતા.

વડા પ્રધાન મોદી અને અમિત શાહની સાથે ઉપવાસમાં ભાજપના તમામ સંસદસભ્યો જોડાશે.

વડા પ્રધાન મોદી દિલ્હીમાં, અમિત શાહ કર્ણાટકના હુબલીમાં ઉપવાસ-ધરણા કરશે જ્યારે ભાજપના તમામ સંસદસભ્યો પોતપોતાના સંસદીય ક્ષેત્રમાં ઉપવાસ પર બેસશે.

રાજ્યસભામાં સતત શોરબકોરને કારણે બેઠકો મુલતવી રાખવી પડી હતી એને કારણે 27 દિવસોમાં એકેય વાર પ્રશ્નોત્તરી કાળ યોજી શકાયો નહોતો.

આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવા, બેન્ક કૌભાંડો, કાવેરી જળ વહીવટ બોર્ડની રચનાની માગણી, પ્રતિમાઓને ખંડિત કરવાની ઘટનાઓ, અનુસૂચિત જાતિઓ-જનજાતિઓના કાયદા અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાની સમીક્ષા, ઉત્તર પ્રદેશના કાસગંજમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પર રાજ્યસભામાં ચર્ચા થવાની હતી, પરંતુ શોરબકોરને કારણે યોજી શકાઈ નહોતી.