ભાજપના જમ્મુ-કશ્મીર એકમના વડાને પાકિસ્તાનમાંથી ધમકી મળી

જમ્મુ – ભારતીય જનતા પાર્ટીના જમ્મુ અને કશ્મીર રાજ્ય એકમના વડા રવિન્દ રૈનાએ એવો દાવો કર્યો છે કે એમને પાકિસ્તાનના કરાચી, રાવલપીંડી અને મુઝફ્ફરાબાદ શહેરોમાંથી ફોન પર ધમકી મળી છે.

રૈનાએ એમ પણ કહ્યું કે એમણે આ ધમકીભર્યા કોલ વિશે રાજ્યના ગવર્નર વોહરાને જાણ કરી દીધી છે. આવી ધમકીઓથી પોતે જરાય ગભરાયા નથી, એમ પણ તેમણે કહ્યું છે.

રૈનાએ પત્રકારોને કહ્યું કે, મને છેલ્લા અમુક મહિનાઓથી મળી રહેલી ધમકી વિશે સંબંધિત સત્તાવાળાઓ તથા ગવર્નરને જાણ કરી દીધી છે. અરે, આજે પણ મને કરાચીમાંથી ધમકીભર્યો કોલ આવ્યો હતો.

રાજ્યના પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ મામલે હજી સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી, કારણ કે કોઈ વિધિસર ફરિયાદ પણ નોંધવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ પીપલ્સ ડેમોક્રેટિક અલાયન્સ સાથેની ભાગીદારીનો અંત લાવી દીધો છે અને એ સાથે બંને પાર્ટીની સંયુક્ત સરકારનું પતન થઈ ગયું છે. રાજ્યમાં ગવર્નરનું શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.

રવિન્દર રૈના જમ્મુના નૌશેરા મતવિસ્તારના વિધાનસભ્ય છે. અહેવાલો અનુસાર, રૈના કટ્ટર આરએસએસ કાર્યકર્તા છે અને 2010માં ભાજપમાં જોડાયા હતા. એ 2014માં નૌશેરા વિધાનસભાની બેઠક પર પીડીપીના ઉમેદવારને હરાવીને ચૂંટણીમાં વિજયી થયા હતા.