મહત્ત્વનુંઃ બિનનિવાસી ગુજરાતીઓ સરળતાથી મેળવી શકશે આ સુવિધા

ગાંધીનગર-બિનનિવાસી પ્રભાગ સંભાળતાં ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ  બિનનિવાસી- એનઆરજી- ગુજરાતીઓને એક સુવિધા હાથવગી કરવાી છે.  વિદેશમાં કે અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓ માટે અપાતું ગુજરાત કાર્ડ હવેથી ડિજિટલી પણ મેળવી શકાશે.

આ કાર્ડ બિનનિવાસી ગુજરાતીઓ વિદેશમાં ઘેર બેઠા બેઠા મેળવી શકે તે માટે ઓન લાઇન સુવિધા રાજ્ય સરકારે ઉપલબ્ધ બનાવી છે. જેમાં NRI પોતે કે તેમના વતી કોઇ વ્યક્તિ ફોર્મ ભરીને ઓનલાઇન અરજીની સુવિધાથી કાર્ડ મેળવી શકશે. NRI માટે ગુજરાત કાર્ડ મેળવવા ઓનલાઇન એપ્લિકેશન શરૂ કરી છે. NRGFની www.nri.gujarat.gov.in વેબસાઇટમાં ઓનલાઇન ફોર્મ ભરવાની તથા જરૂરી દસ્તાવેજો જોડવાની સુવિધા ઉભી કરી છે. સાથે સાથે પેમેન્ટ ગેટ વે દ્વારા ઓનલાઇન ફી ભરી શકાશે.

બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા અત્યાર સુધીમાં ૨૦૯૭૫ જેટલા ગુજરાત કાર્ડ ઇસ્યુ કરાયા છે જેમાં ૨૦૩૩ NRI ગુજરાત કાર્ડ તથા ૧૮૯૭૨ NRG ગુજરાત કાર્ડધારકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર, બુક્સ અને સામયિક ક્ષેત્ર, ફુડ, હોટલ અને આતિથ્ય સત્કાર ,જેમ્સ એન્ડ જ્વેલરી, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ, હોસ્પિટલ અને હેલ્થકેર, કાયદાકીય ક્ષેત્ર, રીયલ એસ્ટેટ, શો રૂમ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જેવા ક્ષેત્રોમાં ૬૧૨ જેટલી સંસ્થાઓ જોડાયેલ છે જેમાં ગુજરાત કાર્ડ ધરાવતા બિનનિવાસી ગુજરાતીઓ નક્કી થયા મુજબનું નિયત વળતર પણ મેળવી શકે છે. ઉપરાંત કાર્ડ ધારકને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની સ્થાનિક સરકારી કચેરીઓમાં પડતા વહીવટી કાર્યોમાં પ્રાધાન્ય પણ આપવામાં આવે છે.

ગુજરાત કાર્ડ મેળવવા માટે બિનનિવાસી ગુજરાતીઓએ પોતાની ઓળખ અને રહેઠાણના પુરાવા રૂપે જરૂરી દસ્તાવેજોની નકલ, તેમજ કાર્ડ મેળવવા માટે જરૂરી ફી રૂા. ૨૨૫/- અથવા પાંચ અમેરિકી ડોલર NRGF ના બેન્ક ખાતામાં ડિમાન્ડ ડ્રાફ્ટ, રોકડા કે નેટ બેન્કીંગ દ્વારા જમા કરાવવાના રહેશે. કાર્ડ તૈયાર થયા બાદ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે.