નીરવ મોદીની માલિકીના ઐતિહાસિક આર્ટવર્ક્સની હરાજી, સાથે રાજા રવિ વર્મા, પદમશી…

નવી દિલ્હી– ભાગેડુ વેપારી નીરવ મોદીની માલિકીના મોડર્ન, પ્રિ-મોડર્ન અને કન્ટેમ્પરરી આર્ટના નમૂનાઓની હરાજી કરવામાં આવશે. આ નમૂનાઓની કુલ કિંમત 63 કરોડ રૂપિયા કરતાં વધારે આંકવામાં આવે છે.

નિષ્ણાતના મત મુજબ ટોચના પાંચ નમૂના જ અંદાજે 52 કરોડ રૂપિયાની કિંમતના છે. એમાંનું એક વી.એસ. ગાયતોન્ડેએ 1973માં બનાવેલું ઓઈલ પેઈન્ટિંગ છે જે અંદાજે 30 કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે.

બીજું રાજા રવિ વર્માએ 1881માં બનાવેલું ત્રાવણકોરના મહારાજ અને એમના ભાઈ થર્ડ ડ્યુક ઓફ બકિંગહામનું સ્વાગત કરતા હોય એ પ્રસંગનું ચિત્ર છે, જ્યારે ત્રીજું ચિત્ર ‘ગ્રે ન્યૂડ’ અકબર પદમસીએ 1960માં તૈયાર કરેલું છે.

ગયા સપ્તાહમાં જ કોર્ટે ઈન્કમટેક્સ વિભાગને આ ચિત્રોની હરાજી યોજવાની પરવાનગી આપી હતી. પી.એન.બી. કેસની તપાસ દરમિયાન ઈ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર)એ આ ચિત્રોને કબજે કર્યા હતા.

તો બીજી તરફ નીરવ મોદીના જામીન માટે બીજી અરજી લંડન સ્થિત વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 29 માર્ચે રજૂ કરશે. જ્યારે મની લોન્ડ્રિંગ મામલે નિરવ મોદી વિરુદ્ધ આગામી સુનાવણી જજ ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બાટની અદાલતમાં થશે.