વાજપેયીનાં અસ્થિનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરાયું

0
1558

હરિદ્વાર (ઉત્તરાખંડ) – ગઈ 16 ઓગસ્ટે નવી દિલ્હીની હોસ્પિટલમાં 93 વર્ષની વયે અવસાન પામેલા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિનું એમનાં દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ આજે અહીં હર કી પૌડી ઘાટ ખાતે ગંગા નદીમાં વિસર્જન કર્યું હતું. એ વખતે ભાજપના પ્રમુખ અમિત શાહ સહિત પક્ષના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોનો માનવમહેરામણ ઉમટ્યો હતો.

17 ઓગસ્ટે વાજપેયીનાં જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે દિલ્હીના રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ ખાતેથી એમના અસ્થિઓ નમિતા ભટ્ટાચાર્યએ આજે સવારે એકત્ર કર્યા હતા. અસ્થિઓને પહેલાં હરિદ્વારમાં પન્નાલાલ ભલ્લા મ્યુનિસિપલ ઈન્ટર કોલેજ ખાતે દર્શન માટે રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી અસ્થિ કળશ યાત્રા સ્વરૂપે હર કી પૌડી ઘાટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગંગા નદીમાં એ વિસર્જિત કરવામાં આવ્યા હતા.

વાજપેયીના અસ્થિઓનું દેશની અનેક નદીઓમાં વિસર્જન કરવામાં આવશે. એનો પ્રારંભ હરિદ્વારમાં ગંગા નદીથી કરવામાં આવ્યો છે.

આજે અસ્થિ કળશ યાત્રામાં અમિત શાહ ઉપરાંત ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા.

20 ઓગસ્ટ, સોમવારે નવી દિલ્હીમાં વાજપેયીની સર્વપક્ષીય શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.