વરસાદી માહોલમાં રાજનીતિની ગરમી, હાર્દિકની અટકાયત સામે સમર્થકોના દેખાવો

0
1422

અમદાવાદ- નિકોલમાં આજે પાટીદાર નેતા હાર્દિક પટેલના એક દિવસના ઉપવાસ કાર્યક્રમનો રાજકીય રંગ અમદાવાદના વરસાદી માહોલમાં ભળી રહ્યો છે. સવારે લગભગ 10 વાગ્યાથી શરુ થયેલ આ ઘટનાક્રમે શહેર પોલિસ અને પાટીદાર નેતાનો પકડદાવ સમર્થકોના દેખાવો સુધી પહોંચ્યો છે.હાર્દિક પટેલ 25 તારીખથી આમરણાંત ઉપવાસ પર બેસનાર હતાં તે સ્થળને પાર્કિંગ સ્પોટ જાહેર કરાયું છે. જેને લઇને હાર્દિક અને તેના સાથીદાર આ સ્થળે કાર પર બેસીને પ્રતીક વિરોધ દર્શાવવા ઉપવાસ કરવાના હતાં, જેકો પોલિસે તેના ઘરને ઘેરો નાંખીને તેના સમર્થકો સહિત ત્યાં જ નજરબંધ કરી દીધાં હતાં. બાદમાં તેના નિવાસસ્થાન બહારથી હાર્દિકની અટકાત કરીને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યાં હતાં. પાસ કન્વીનર ગીતા પટેલની પણ પોલીસે અટકાયત કરી હતી.

હાર્દિકની અટકાયતને લઇને ભારે રોષે ભરાયેલાં તેના સાથીદારોએ શહેર ક્રાઈમ બ્રાંચ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યાં હતાં. પોલિસ જો માફી નહીં માગે અને હાર્દિકને મુક્ત નહી કરે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ગહેરા પ્રત્યાઘાતો આવશે અને એના માટે ગુજરાત સરકાર અને પોલીસ જવાબદાર રહેશે તેવી પ્રતિક્રિયા પાસ સહકન્વીનર નિખિલ સવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં આપી હતી.