કુલ 822 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ વેચાયાં,કોલકાતાની બેંક શાખામાં 370 કરોડ…

0
1084

નવી દિલ્હી–  કરોડો રૂપિયાનું રાજકીય ફંડિંગ આપવા માટે ઉપયોગ કરાયેલા ઈલેક્ટોરલ બોન્ડ્સનો એક મોટો ભાગ કોલકાત્તામાંથી ખરીદવામાં આવ્યો. એક અંગ્રેજી સમાચારપત્રએ રાઈટ ટુ ઈન્ફોર્મેશન હેઠળ પ્રાપ્ત થયેલી સૂચનાને આધારે આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં દેશભરમાં સ્ટેટ બેંકની નક્કી કરાયેલી શાખાઓમાંથી કુલ 822 કરોડ રૂપિયાના બોન્ડ વેંચવામાં આવ્યાં. જેમાંથી 370 કરોડ રૂપિયાના બોન્ડ્સ માત્ર કોલકાત્તાની બેંક શાખાઓમાંથી જારી કરવામાં આવ્યાં.

આ રકમ મે મહિનામાં વેચવામાં આવેલા કુલ બોન્ડ્સની 45 ટકા જેટલી છે. જો જાન્યુઆરીથી લઈને મે સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ્સમાં કરાયેલા રોકાણ પર નજર કરીએ તો, અંદાજે 4794 કરોડ રૂપિયા થાય છે. મહત્વનું છે કે, સોમવારે બેંકના આંકડા જાહેર થયાં પહેલાં જ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સામાન્ય ચૂંટણીમાં થયેલા નાણાંના ઉપયોગને લઈને તપાસ કરાવવાની વાત કહી હતી.

ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર પૂણેના રહેવાસી વિહાર દુરવે તરફથી કરાયેલી આરટીઆઈના જવાબમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ જાણકારી આપી છે. સુપ્રીમ કોર્ટે પણ રાજકીય પાર્ટીઓને આદેશ આપ્યો હતો કે, તે ઈલેક્ટોરલ બોન્ડ્સ મારફતે મળેલી રકમ અને બોન્ડ્સ ખરીદનાર લોકોની માહિતી ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરે. 30મે અંતિમ તારીખ હતી, પરંતુ ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈ પણ પાર્ટીએ આ અંગેની માહિતી ચૂંટણી પંચને સોંપી નથી.

ઈલેક્ટોરલ બોન્ડને કોઈ પણ વ્યક્તિ અથવા કોર્પોરેટ કંપનીઓ રાજકીય દાન માટે ખરીદી શકે છે. આ બોન્ડ્સ ખરીદનારનું નામ જાહેર કરવામાં નથી આવતું.

ઈલેક્ટોરલ બોન્ડ્સના વેચાણના આંકડાઓ પર એક નજર કરીએ તો મે મહિનામાં એસબીઆઈની કોલકાત્તા બ્રાન્ચમાં આ બોન્ડ્સનું સૌથી વધુ વેચાણ થયું. આ રકમ અંદાજે 370,45,75,000 રૂપિયા એટલે કે, 370 કરોડ રૂપિયા જેટલી થાય છે. આમાંથી મોટાભાગના બોન્ડ્સ 1 કરોડ રૂપિયાના ડિનોમિનેશનમાં વેંચાયાં. આ પરથી સ્પષ્ટ છે કે, આ બોન્ડને ખરીદવાની હેસિયત મોટી કંપનીઓ અથવા અમીર લોકોની જ હોય. ચૂંટણી પરિણામના એક દિવસ અગાઉ સુધીમાં કુલ 822 કરોડ રૂપિયાના બોન્ડ્સ ઈશ્યુ કરવામાં આવ્યાં. આ જ સમયગાળામાં 819 કરોડ રૂપિયાના બોન્ડ્સનો ઉપયોગ પણ કરી લેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, આ બોન્ડ્સ વેલિડિટી ઈશ્યુ કરાયાની તારીખથી 15 દિવસ સુધીની હોય છે. આરટીઆઈમાં થયેલા ઘટસ્ફોટ બાદ સીપીએમ પાર્ટીના મોહમ્મદ સલીમે ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપને બંગાળમાં આટલી મોટી જીત કેવી રીતે મળી, તે દિવસેને દિવસે સ્પષ્ટ થતું જાય છે. તમને જણાવી દઈએ કે, સીપીએમ અને કેટલીક અન્ય વિપક્ષી પાર્ટીઓ ઈલેક્ટોરલ બોન્ડ્સનો વિરોધ કરી ચૂકી છે.