કોંગ્રેસનું મિશન 2022: પ્રિયંકા ગાંધીએ નક્કી કરી કોંગ્રેસ જિલ્લાધ્યક્ષોની વયમર્યાદા

નવી દિલ્હીઃ  ઉત્તર પ્રદેશમાં મિશન 2022ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તૈયારી શરુ કરી દીધી છે. પ્રદેશની તમામ જિલ્લા સમિતિઓને ભંગ કર્યા પછી પાર્ટી હવે નવેસરથી સંગઠન તૈયાર કરવાના ઈરાદા પર ભાર મુકી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસની મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પૂર્વ પ્રભારી પ્રિયંકા ગાંધીએ પાર્ટીના જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ માટે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી દીધી છે.

એટલે કે, 40 વર્ષ અથવા તો તેનાથી ઓછી ઉંમરના વ્યક્તિ જ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત થઈ શકે છે. પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં સંગઠનનને નવેસરથી તૈયાર કરવા જઈ રહી છે. આ માટે તેમણે ઉંમર મર્યાદાની સાથે સાથે મહિલા, ઓબીસી અને દલિત ચહેરાઓને વધુમાં વધુ જવાબદારી સોંપવા પર કામ કરી રહી છે.મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકા ગાંધીએ ગ્રાઉન્ડ લેવલ પર સંગઠનમાં ફેરબદલની કવાયત લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી તેજ કરી દીધી હતી. ગાંધીએ યૂપીમાં ચૂંટણી પ્રવાસ કર્યા પરંતુ અહીંની 80 લોકસભા બેઠકોમાંથી તેમની પાર્ટી માત્ર એક બેઠક રાય બરેલી (સાંસદ, સોનિયા ગાંધી)ની બેઠક પર જ જીત મેળવી શકી છે. પ્રિયંકા ગાંધીએ 2022માં યોજાનાર યૂપી વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.

હવે પ્રિયંકા ગાંધી નવા અને યુવા ચહેરાઓને સંગઠનના મહત્વના પદો પર જોડવાની કોશિશિમાં લાગ્યાં છે. તેમનો પ્રયત્ન છે કે, ગ્રાઉન્ડ પર જેટલા યુવા હશે એટલી જ પાર્ટીની શાખ મજબૂત કરવામાં સરળતા રહેશે. જિલ્લા સ્તર પર કોંગ્રેસ તમામ જ્ઞાતિઓમાંથી નેતાઓને ઉતારવા પર ભાર મુકી રહી છે.