બજારમાં વેચવામાં આવી રહેલા અડધા LED બલ્બ અને ડાઉનલાઈટર બ્રાંડ અસુરક્ષિતઃ રિપોર્ટ…

0
631

નવી દિલ્હીઃ બજારમાં વેચવામાં આવી રહેલા અડધા LED બલ્બ અને ડાઉનલાઈટર બ્રાંડ અસુરક્ષિત છે. આ સાથે જ તેમનું ઉત્પાદન ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે. આ વાત માર્કેટ રિસર્ચ ફર્મ નીલસનના સ્ટડીમાં સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નીલસનના સ્ટડીમાં 8 શહેરોના 400 રિટેલ આઉટલેટને શામિલ કરવામાં આવ્યા છે.

સ્ટડીમાં સામે આવ્યું છે કે આ બલ્બ અને ડાઉનલાઈટર્સ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને ઈલેકટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના માનકો પર સાચા સાબિત થતા નથી. આનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવતું હોવાના કારણે સરકારને રાજસ્વમાં પણ ખોટ પડી રહી છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે 47 ટકા એલઈડી બ્રાંડ અને 52 ટકા એલઈડી ડાઉલાઈટર્સ બ્રાંડ્સ નિર્ધારિત સુરક્ષા માનકોનું પાલન નથી કરતા.

સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એલઈડી બલ્બોનું ઉત્પાદન સસ્તી આયાતિત કીટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમાંથી પણ મોટાભાગના ચીનથી આયાત કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહી પરંતુ આ એલઈડી બલ્બ ઉર્જાની પણ એટલી બચત નથી કરતા જેનાથી એલઈડી લેમ્પ્સના ઉદ્દેશ્યોની પૂર્તિ નથી થઈ રહી. ઈલેકટ્રિક લેમ્પ એન્ડ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના અધ્યક્ષ રાજુ બિસ્ટાએ કહ્યું કે આ સરકારના એનર્જી એફિશિઅન્ટ પ્રોડક્ટને વેગ આપવાના પ્રયાસો પર નકારાત્મક પ્રભાવ નાંખી રહ્યા છે. આનાથી એલઈડી ઈન્ડસ્ટ્રીની છબીને પણ નુકસાન પહોંચી રહ્યું છે.

એસોસિએશન અનુસાર ભારતનું એલઈડી બજાર આશરે 11,400 કરોડ રુપિયાનું છે. આટલા મોટા પાયે બલ્બ અને ડાઉનલાઈટર્સનું ગેરકાયદેસર ઉત્પાદન થવાના કારણે સરકારી ખજાનાને મોટુ નુકસાન થઈ રહ્યું છે. એલઈડી ઈન્ડસ્ટ્રીએ છેલ્લા 5-6 વર્ષમાં મહત્વપૂર્ણ રુપે વૃદ્ધિ પ્રાપ્ત કરી છે. આ કારણે ઘણા એવા ઉત્પાદનો પણ આવી ગયા છે કે જે બીઆઈએસ માનકોનું પાલન નથી કરતા.