જમ્મુ-કાશ્મિરના પૂંછમાં મોટી દુર્ઘટના, મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મિરના પૂંછ જિલ્લાના મંડીમાં આજે એક ગોઝારો અકસ્માત થયો છે. પૂંછથી મંડી તરફ જતી એક બસ ખીણમાં ખાબકતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. પૂંછથી લોરન જઈ રહેલી મુસાફરો ભરેલી બસ આજે સવારે મંડી તાલુકાના એક સ્થળે દુર્ઘટનાનો શિકાર બની હતી. બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ઉંડી ખીણમાં ધડાકાભેર ખાબકી હતી.

આ ઘટનામાં કુલ 11 મુસાફરોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ દુર્ઘટનામાં મૃતાંક હજી પણ વધે તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણ બસનો રજિસ્ટ્રેશન નંબર JK-02-Q-0445 છે. પોલીસ દુર્ઘટનાની તપાસ કરી રહી છે.

આ પહેલા પણ ગઈકાલે કિશ્તવાડમાં એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અહીં એક ટેન્કર ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ ઘટના કિશ્તવાડની બહાર સ્થિત હસ્તી પુલ પાસે ઘટી હતી.