એક્ઝિટ પોલ સાચાય પડશે અને ખોટાય પડશે

ક્ઝિટ પોલ ચૂંટણી પરિણામો જેવા જ રહ્યાં છે – અનિશ્ચિત અને અણધાર્યા. દાખલા તરીકે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને યુપીમાં ભાજપ જીતશે લગભગ જીતી જશે તેમ એક્ઝિટ પોલ કહેતા હતા, પણ બંનેની જીત થઈ તે જંગી હતી. તે રીતે ખોટા પડવા છતાં સાચા પડ્યા હતા. 2004માં વાજપેયી સરકાર ફરી જીતી શકે તેમ એક્ઝિટ પોલ કહેતા હતા તે ખોટા પડ્યા હતા, પણ 2014માં યુપીએ હારી જશે તે વાત સાચી પડી હતી.

હાલમાં યોજાઈ ગયેલી પાંચ રાજ્યોની ચૂંટણીના એક્ઝિટ પોલ પણ આવી ગયા. હવે તેમાંથી કેટલા સાચા પડશે એટલા ખોટા પડશે તેની ચર્ચા 11 તારીખે 11 વાગ્યા સુધી ચાલશે. 11 ડિસેમ્બરે 11 વાગ્યા સુધીમાં ચિત્ર ક્લિયર થઈ ગયું હશે. ત્યાં સુધી અનુમાનશાસ્ત્ર ચાલશે, તે પછી રાજ્યશાસ્ત્ર ચાલશે અને મતદારોએ આપેલા ચુકાદાને ઉથલાવી નાખવા માટે તડજોડનું રાજકારણ ચાલશે.

પાંચ રાજ્યોમાંથી રાજસ્થાન માટે એકવાક્યતા જોવા મળી છે. ચૂંટણી પહેલાં પણ આ સર્વસંમતિ હતી અને તે એક્ઝિટ પોલમાં દેખાઈ છે. રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થશે તેમ મોટા ભાગના માનતા હતા. બેઠકોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે, પણ સત્તામાં ફેરફાર નક્કી છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ વખતે કોંગ્રેસ ટક્કર આપવાની સ્થિતિમાં છે તેવી ચર્ચા ચાલતી રહી હતી. તે જ ચર્ચા હવે એક્ઝિટ પોલ પછી ચાલી છે. કેમ કે બંને રાજ્યોમાં ભાજપ માટે સત્તા ટકાવી રાખવી સહેલી નહી હોય. થોડી બેઠકોથી કોંગ્રેસ કદાચ જીતી પણ જાય તેવું મોટા ભાગના એક્ઝિટ પોલનું અનુમાન છે. તેનો અર્થ એ થયો કે આ બંને રાજ્યોમાં જોડાણ કરવું પડશે, જે પણ સત્તામાં આવે તેણે જોડાણ કરવું પડશે. અજિત જોગી અને માયાવતી કોને ટેકો આપવાનું પસંદ કરે છે તે રસપ્રદ થશે. કેમ કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જે જોડાણ થશે તેનો પડછાયો 2019ના મધ્યમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં પડશે.એ જ રીતે 2019ની ચૂંટણી માટે મહાગઠબંધન બનાવવાની ઇચ્છા રાખનારા નેતાઓ માટે તેલંગણાના પરિણામો સૂચક બનશે, કેમ કે આ રાજ્યમાં લાંબા સમયની દુશ્મની ધરાવતા કોંગ્રેસ અને તેલુગુ દેસમ વચ્ચે સમજૂતિ થઈ હતી. ફોર અ ચેન્જ તેલુગુ દેસમે અહીં કોંગ્રેસને મોટા ભા બનવા દીધો છે અને પોતે જૂનિયર પાર્ટનર તરીકે જોડાયો હતો. આંધ્રમાં જોડાણ થશે ત્યારે તેલુગુ દેસમ મોટો ભાઈ હશે અને કોંગ્રેસ જૂનિયર પાર્ટનર તરીકે રહેશે. જોડાણ માટેની આવી ફ્લેક્સિબિલિટીની કસોટી જ 2019માં થવાની છે. યુપી, બિહાર, બંગાળ, તમિલનાડુ, દિલ્હી, કાશ્મીર, ઓડિશામાં કોંગ્રેસે ગઠબંધન કરવું હોય તો જૂનિયર પાર્ટનર બનવું પડે. પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા ત્રણ રાજ્યોમાં સત્તા મળ્યા પછી કોંગ્રેસનું વલણ કેવું હશે?

અને જો અડધા એક્ઝિટ પોલ ખોટા પડ્યા અને તેલંગણામાં પણ સરકાર બનાવવાની તક મળી ગઈ તો શું થશે? આ સવાલના જવાબ પહેલાં એ જવાબ મેળવવો પડે કે તેલંગણા પૂરતા એક્ઝિટ પોલ ખોટા પડશે કે કેમ. એકને બાદ કરતાં બાકીના એક્ઝિટ પોલ દર્શાવે છે કે તેલંગણા રાષ્ટ્ર સમિતિના કેસીઆરની લોકપ્રિયતા વધી હોવાથી તેની સામે મહાકુટુમી (ગઠબંધન) થયું હોવા છતાં એકલા હાથે ચૂંટણી જીતી જશે. તેનો અર્થ એ થયો કે કોઈ એક નેતાની લોકપ્રિયતા હોય તો ગઠબંધનનો પણ સામનો કરી શકાય છે.

ગત વખતની ચૂંટણીના આંકડાં સાથે સરખામણી કરીએ તો મહાકુટુમીથી કેસીઆરને નુકસાન થાય તેમ હતું. કેસીઆરના પક્ષ ટીઆરએસને ગત વખતે 34 ટકા મતો છતાં 63 બેઠકો મળી ગઈ હતી. કોંગ્રેસ અને ટીડીપી અલગ લડ્યા હોવાથી, તેમના બંનેના મતોની ટકાવારી 41 ટકા હોવા છતાં તેમને 21 અને 15 બેઠકો જ મળી હતી. આ વખતની ચૂંટણીમાં બંનેના મતોનો સરવાળો થાય તો સાદા ગણિત પ્રમાણે તેમને જીત મળવી જોઈએ, પણ ચૂંટણીમાં સાદું ગણિત ચાલતું નથી. કેસીઆરે વિવિધ કલ્યાણ યોજનાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં લોકપ્રિયતા મેળવી હોવાથી, તથા ટીડીપી અને કોંગ્રેસના એકએક ડઝન નેતાઓ-ધારાસભ્યોને તોડી નાખ્યા હોવાથી કેસીઆરને ફાયદો થઈ શકે છે.

એક્ઝિટ પોલ એવું જ બતાવી રહ્યા છે. તેમના મતોની ટકાવારી 34થી વધીને સીધી 47 ટકા થયેલી બતાવાઈ છે. તેની સામે મહાકુટુમીને 36 ટકા જ મતો મળ્યાનું અનુમાન છે. પરંતુ એક્ઝિટ પોલ ખોટા પડવાના હોય તો આ મતોની ટકાવારીને કારણે જ પડી શકે છે. તેથી કેસીઆરના મતો વધ્યા હશે કે કેમ તેની શંકા તેમના હરિફો અને કેટલાક વિશ્લેષકો કરી રહ્યા છે. તેલંગણા રાજ્યની માગણી માટેની લડતમાં અગ્ર ભૂમિકાને કારણે કેસીઆરની લોકપ્રિયતા પાંચ વર્ષ પહેલાં હશે, પણ તે મુદ્દો હવે ઓસરી ગયો છે તેમ ઘણાને લાગે છે.

બીજું નવા રાજ્યની રચનાના ભાવનાત્મક મુદ્દાને કારણે જ્ઞાતિનું ગણિત ગત વખતે બહુ અસરકારક રહ્યું નહોતું. તે ગણિત આ વખતે ગણવું પડે તેમ કેટલાક કહે છે. કોંગ્રેસ અને ટીડીપી સાથે થયા તેના કારણે આ ગણિત બરાબર બેસે છે. રેડ્ડીનો ટેકો ટીડીપીને રહ્યો છે, જ્યારે કમ્માનો ટેકો કોંગ્રેસને રહ્યો છે. કેસીઆર વેલામા જ્ઞાતિના છે, જેની વસતિ વધારે નથી. ઓવૈસીની પાર્ટી પોતાનો હૈદરાબાદ વિસ્તાર જાળવી શકશે, પણ તે સિવાયના મુસ્લિમ મતો ઓવૈસીને કારણે કેસીઆરને મળે કે કેમ તે વિચારવું પડશે. કેસીઆર અને નરેન્દ્ર મોદી વચ્ચેની પ્રેમભાવના જરાય અજાણી નથી. ઓવૈસી પણ ભાજપને મદદ થાય તેવું રાજકારણ કરે છે તેની ચર્ચા નવી નથી. હૈદરાબાદ અને સિકંદરાબાદમાં વિશિષ્ઠ કારણોકર મુસ્લિમો ઓવૈસીની સાથે રહે, પણ તે સિવાયના મુસ્લિમ મતો ભાજપના સાથી ગણાતા પક્ષને શા માટે આપે તે સવાલ પૂછવો પડે. તેથી રેડ્ડી, કમ્મા ઉપરાંત મુસ્લિમોના મતો માટેની આશા મહાકુટુમીએ રાખી હતી. કોંગ્રેસે છેલ્લા દિવસોમાં મોહમ્મદ અઝહરુદ્દીનને તેલંગણામાં પક્ષના કાર્યકારી પ્રમુખોમાં સ્થાન આપ્યું હતું, તે પણ મુસ્લિમ મતોને આકર્ષવા. ભાજપ તરફની નરેન્દ્ર મોદીની સભાઓ ઓછી અને યોગી આદિત્યનાથની સભાઓ વધારે થઈ હતી. યોગીની સભાઓને કારણે હિન્દુત્વના નામે મતો અંકે થઈ શકે, પણ સામા પક્ષે મુસ્લિમો ભાજપની સાથે ગણાતા ટીઆરએસને બદલે મહાકુટુમી તરફ ઢળી શકે ખરા.

આ જો અને તો વચ્ચે એ ના ભૂલી શકાય કે ત્રણ દાયકાથી ટીડીપી કોંગ્રેસ વિરોધી રાજકારણ કરીને ટક્યો હતો. ભાજપની હાજરી નગણ્ય હોવાથી ટીડીપી અને તેના ટેકેદારોનો મુખ્ય વિરોધ કોંગ્રેસ સામ રહ્યો હતો. રાતોરાત તે વિરોધ ભૂલાઈ જાય તે મુશ્કેલ લાગે છે. બીજું ટીડીપી હવે આંધ્રની પાર્ટી ગણાય છે, તેલંગણાની નહિ. તેના ટેકેદારો વિખેરાઈ ગયા છે, પણ તેમણે ક્યાં જવું તે સવાલ છે. તેનું એક કારણ એ કે કેસીઆર કોંગ્રેસની સાથે રહી ચૂક્યો છે અને હવે ભાજપ તરફ ઢળેલો છે. તેથી ટીડીપીના ટેકેદારો માટે કેસીઆરની પસંદગી બેવાર વિચારીને કરવી પડે. તેનો અર્થ એ થયો કે આખરે ગઠબંધન જ થયું છે ત્યારે, ગઠબંધન પૂરતી જ કોંગ્રેસને સ્વીકારવાની વાત વધારે ગળે ઉતરી શકે. પરંતુ બંને પક્ષના ટેકેદારો એકબીજાના ઉમેદવારને મત આપે તો જ આ ગણિત પાર ઉતરે.

મતદાનની ટકાવારી ગત વખતની જેટલી જ 69થી 70 ટકાની જ રહેશે. તેમાં કોઈ વધારો થયો નથી. હકીકતમાં બપોરે એક વાગ્યા સુધીમાં 41 ટકા મતદાન થઈ ગયા પછી પાછળથી તે ધીમું પડી ગયું, તેનો અર્થ કે મતદારોમાં સરકાર ટકાવી રાખવાનો કે બદલવાનો વધારાનો કોઈ ઉત્સાહ નહોતો. કોઈ લાગણીમય મુદ્દો ના હોવાથી નોર્મલ ચૂંટણી થઈ છે અને તેથી જ જ્ઞાતિગણિત, ઉમેદવારોની પસંદગી, સ્થાનિક ધારાસભ્ય સામેની નારાજી જેવા મુદ્દાઓ અગત્યના બને છે. ટીઆરએસે અપવાદને બાદ કરતાં મોટા ભાગના ધારાસભ્યોને રિપિટ કર્યા છે. ટીડીપી અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પણ ટિકિટો આપી છે. તેથી નવા ચહેરા મૂકવાનો લાભ ના પણ મળે અને ધારાસભ્યો નબળા હશે ત્યાં નુકસાન થઈ શકશે. તેની સામે કેસીઆરને ફાયદો એ છે કે તેમની પોતાની વેલામા જ્ઞાતિના મતો ઓછા હોવા છતાં તેમણે ખેડૂતોને એકર દીઠ 4,000ની સહાય, ખેડૂતો માટે વીમો, આરોગ્ય માટે સહાય અને વીમો વગેરેનો (પશુપાલકોને ઘેટાં સહાય, ધોબી માટે વૉશિંગ મશીન, બાબર માટે સહાય વગેરેનો) લાભ રેડ્ડી અને કમ્મા સિવાયના ઓબીસીને મળે તેવી વ્યવસ્થા કરી હતી. તેથી 40 ટકા જેટલા ઓબીસી મતો પર ટીઆરએસનો આધાર છે અને તે રેડ્ડી અને કમ્મા બંનેના સંયુક્ત બળ સામે બેલેન્સ કરી શકે છે.

સંયુક્ત આંધ્રમાં થયેલા ગઠબંધનો જોઈએ તો 2004માં કેસીઆર કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેના કારણે મજબૂત ગણાતા નાયડુને હરાવી શકાયા હતા. જોકે વાયએસઆર શક્તિશાળી નેતા બન્યા અને અલગ તેલંગણા રાજ્યની માગણીને તેમણે મક્કમતાથી દબાવી દીધી હતી. હવે 2009માં કેસીઆર નાયડુના પક્ષ ટીડીપી, સીપીઆઈ અને સીપીએમ સાથે મહાકુટુમીમાં જોડાયા. પરંતુ ત્રીજો એક પક્ષ પ્રજારાજ્યમ ઊભો થયો હતો ફિલ્મસ્ટાર ચિરંજીવીનો. તે 17 ટકા મતો લઈ ગયો એટલે મહાકુટુમી ના ફાવ્યું અને વાયએસઆરની કોંગ્રસ સરકાર બચી ગઈ હતી. 2013માં બે રાજ્યોની રચનાનો નિર્ણય લેવાયો અને લોકસભાની ચૂંટણી સાથે 2014માં ચૂંટણી યોજાઈ હતી. તે વખતે મહાકુટુમી વિના પક્ષો અલગ લડ્યા હતા, જ્યારે આ વખતે ફરી એક લોકપ્રિય નેતા સામે મહાકુટુમી બન્યું છે.

મહાકુટુમી સામે વાયએસઆર લોકપ્રિયતાથી જીત્યા હતા, કેસીઆરને લોકપ્રિયતાથી જીતવાની આશા છે અને તેઓ જીતશે તો નરેન્દ્ર મોદી લોકપ્રિયતાના આધારે મહાગઠબંધન સામે જીતવાની આશા રાખી શકે છે. આ રીતે તેલંગણામાં કદાચ એક્ઝિટ ખોટા પણ પડી શકે છે અને ખોટા પડે તો લોકસભાની ગણિતના આંકડાં અલગ રીતે મંડાશે. સાચા પડસે તો પણ લોકસભા વખતના ગણિતના આંકડાં અલગ રીતે મંડાશે.