ખેડૂતોને થયેલા રોગનું ખોટું નિદાન…

નિદાન ના થાય ત્યાં સુધી સારવાર કેવી રીતે થાય તે સૌ જાણે છે. વૈદો નાડી પકડીને નિદાન કરવાની કોશિશ કરતાં. નિદાન પાકું થાય તો ઓસડિયાં આપવાની ખબર પડે. હવે નાડી પકડવાને બદલે જાતભાતના ટેસ્ટ કરાવી લેવામાં આવે છે અને પછી જ સારવાર શરૂ થાય છે. ખેડૂતોના પ્રશ્ને ભારે ઉહાપોહ મચ્યો છે. ખેડૂતો સતત આત્મહત્યા કરી રહ્યા છે. દર મહિને એક હજાર ખેડૂતોની આત્મહત્યા છે. રોજેરોજ સવાર, બપોર, સાંજ એક ખેડૂત આપઘાત કરતો હોય તે ભારત જેવા કૃષિપ્રધાન દેશની કરુણતા છે.

પણ સવાલ એ છે કે દેશ કૃષિપ્રધાન રહ્યો છે ખરો?  અથવા તો કૃષિપ્રધાન દેશ રહેવામાં સાર છે ખરો?  હજી પણ દેશના 52 ટકા લોકો ખેતી પર આધારિત છે તેમ માનવામાં આવે છે. તે સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં ખેતીનો ફાળો ઘટી રહ્યો છે. તે રીતે હવે દેશને ખેતીપ્રધાન દેશ કહેવો મુશ્કેલ છે. રોજ 2400 લોકો રોજગારી માટે ખેતી અથવા ગામડું છોડીને શહેર ભણી નીકળી પડે છે. હવે આ વાત નિરાશાજનક નથી, પણ આશાસ્પદ છે એવું કહીએ તો માનવામાં ના આવે.

સિંચાઈમાં વધારો કરવો જોઈએ, ખેતી ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ સરકારે આપવા જોઈએ, દેવું માફ કરવું જોઈએ, ધિરાણ સરળતાથી મળવું જોઈએ, પાકવીમાની પદ્ધતિ વીમા કંપનીઓને ફાયદો કરાવે તેવી નહિ, પણ ખેડૂતોને ફાયદો કરાવે તેવી હોવી જોઈએ, ગામડાંમાં કોલ્ડ સ્ટોરેજ બનવા જોઈએ, અત્યાધુનિક ટેક્નોલોજીનો લાભ તેમને મળવો જોઈએ, સોલર પેનલ મળવી જોઈએ, બિયારણ મળવું જોઈએ, ખાતર અને જંતુનાશક દવાઓ સસ્તાભાવે મળવા જોઈએ, કૃષિ આધારિત ઉદ્યોગો ગામડાં જ ઊભા થવા જોઈએ, વચેટિયાઓને નાબૂદ કરીને સીધું વેચાણ કરવાની વ્યવસ્થા થવી જોઈએ, ગામડાં સુધી પાકા રસ્તા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા પહોંચવી જોઈએ – આ ઉપાયો વર્ણવવામાં આવતા હોય છે.

આ બધી સારવાર સારી છે, પણ સવાલ એ છે કે નિદાન કર્યા પછી આ દવા આપવાની વાત થઈ રહી છે કે પછી સારવારના અખતરા જ કરવાની વાત છે?

જો આટલું જ કરવાથી સ્થિતિ સુધરી જવાની હોત તો ક્યાનીય સુધરી ગઈ હોત. સિંચાઈમાં સતત વધારો થઈ રહ્યો છે, પાકવીમાની પદ્ધતિ સુધારી શકાય છે, સીધું વેચાણ કરવાની સુવિધા મળી છે, સોલર, કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ ધીમે ધીમે વધી રહી છે, પણ ખેડૂતોની સ્થિતિ ઉલટાની બગડી રહી છે. તેનું એકમાત્ર કારણ ખેતી પર વધારે પડતા મનુષ્યોનો બોજ છે. વસતિવધારાની સીધી અસર ક્યાંય દેખાતી હોય તો શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં અને ગામડાંમાં ખેતરોમાં દેખાઈ રહી છે. આજે પણ દેશની અડધોઅડધ વસતિ ખેતી આધારિત હોય તે સ્થિતિ ભારતના સંદર્ભમાં ચિંતાજનક છે.

ટકાવારીની રીતે 50 ટકા કે 70 ટકા વસતિ પણ ખેતી આધારિત હોય તો કદાચ ચિંતા ના થાય, પણ તેમાં શરત એ હોય કે વસતિ બહુ ઓછી હોય. પાંખી વસતિ હોય અને મોટા ભાગના ગોકળિયું ગામમાં સુખેથી રહેતા હોય તે બહુ આદર્શ સ્થિતિ છે. આઝાદી પહેલાંથી જ દેશમાં વસતિ વધારાનો દર વધવા લાગ્યો હતો અને તે પછીના દાયકામાં ચિંતાજનક હદે વધ્યો હતો. હવે થોડો ઘટ્યો છે, પણ વસતિ સ્થિર થતા 20145થી 2060 થઈ જવાના છે. ત્યાં સુધીમાં સ્થિતિ કેટલી વકરી હશે તેની કલ્પના કરો.

તેના કારણે ઉપર આંકડો આપ્યો કે રોજના 2400 લોકો ખેતી અને ગામડું છોડીને શહેરમાં જઈ રહ્યા છે તે આશાસ્પદ લાગશે. આશાસ્પદ એટલા માટે કે ખેતી પર મનુષ્યોનું ભારણ જેટલું ઝડપથી ઘટે તેટલો ફાયદો થાય તેમ છે. ખેતીના બદલે લોકો બીજો વ્યવસાય કરતાં થાય તો પાછળ રહેતા ખેડૂતોની સ્થિતિ સુધરી શકે છે. પણ સામો બીજો સવાલ – શહેરમાં જઈને લોકોને યોગ્ય રોજગારી મળે છે? શહેરમાં આટલી વિશાળ વસતિને સર્વ સુવિધાઓ સાથે સાચવી લેવાની વ્યવસ્થા થઈ છે ખરી? કે પછી ખેતીને લાગેલો રોગ આપણે શહેરોની ઝૂંપડપટ્ટી સુધી પહોંચાડી રહ્યા છીએ?દેશની ખેતીને લાગેલો રોગ છે જમીન પર વધારે પડતાં મનુષ્યોનું ભારણ. ખેડૂતોના રોગનું આ જ નિદાન છે, પણ 131 કરોડની વસતિ ધરાવતા દેશ પાસે તે નિદાન પછી સારવાર કરવાનું કોઈ સાધન નથી. ખેતી પર નભતા મનુષ્યોને આપણે કઈ દિશામાં વાળી શકીએ? તેનો જવાબ સ્પષ્ટ મળી રહ્યો નથી. નોકરીઓ વધી રહી નથી, સર્વિસ સેક્ટર વિકસી રહ્યું છે, પણ તેનીય એક મર્યાદા છે. ઉદ્યોગ અને મેન્યુફેક્ટરિંગમાં ટેક્નોલોજીને કારણે મનુષ્ય શ્રમની ઓછી જરૂર પડે છે. ખેતી પરથી હટાવીને મનુષ્યોને ઉદ્યોગો અને સર્વિસમાં લગાવવા જઈએ તો તે બે સેક્ટર માંદાં પડે તેમ છે. તો શું કરવું શું? શું કરવું તે વિચારી શકાય છે, પણ પહેલાં કઈ દિશામાં વિચારવું છે તે નક્કી થાય તો. હજી સુધી ખેડૂતોની સમસ્યાનું નિદાન જ થયું નથી.

1950માં દેશના જીડીપીમાં સૌથી વધુ હિસ્સો ખેતીનો હતો. બીજી નંબરે સર્વિસ સેક્ટર હતું અને છેલ્લે ઉદ્યોગ સેક્ટર હતું. 1963માં ખેતી અને સર્વિસ સરખેસરખા થઈ ગયા. 1976માં સર્વિસ સેક્ટર આગળ નીકળી ગયું. 1997માં ખેતી વધારે નીચે આવી અને ઉદ્યોગ અને ખેતી બંને સરખેસરખા થઈ ગયા. અને 2001માં એકવીસમી સદીની શરૂઆત સાથે જ ખેતી છેલ્લા સ્થાને જતું રહ્યું અને ઉદ્યોગ પણ હવે તેનાથી આગળ નીકળી ગયું. અત્યાર હવે સર્વિસ સેક્ટર એક જ ઝડપથી વધી રહ્યું છે. બાકીના બંને સેક્ટર સમાન સ્તરે ચાલી રહ્યા છે. 1950માં ખેતીનો હિસ્સો જીડીપીમાં 52 ટકા હતો, તે હવે ઘટીને 16થી 17 ટકાની આસપાસ ચાલતો થયો છે. ખેતી પણ વધારે નીચે જવાને બદલે સ્થિર થઈ છે, પણ ક્યાં સુધી?

અમેરિકા અને યુરોપના વિકસિત દેશો સાથે સરખામણી કરવાથી ફાયદો નથી, કેમ કે તેમની વસતિ ઓછી છે અને ફળદ્રુપ જમીન વધારે છે. તેમ છતાં સમજવા માટે વિકસિત દેશોમાં 5થી 10 ટકા લોકો જ ખેતી પર નભે છે, જ્યારે એશિયા અને આફ્રિકાના અવિકસિત દેશોમાં હજીય 75 ટકાથી વધારે ખેતી અને ગ્રામીણ વિસ્તારમાં નભે છે. ભારત વિકાસશીલ દેશ તરીકે તેની વચ્ચે છે અને 2011ની વસતિ ગણતરીના આંકડાં પ્રમાણે હજીય 61.5 ટકા વસતિ ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર પર આધારિત છે.

ખેતીમાં પણ ખેતમાલિક અને ખેતમજૂર વચ્ચે બહુ મોટો ભેદ પડી ગયો છે. સરકારી યોજનાઓનો લાભ મોટા ખેડૂતો અને ખેતમાલિક લઈ જાય છે, ખેતમજૂરના ભાગે મજૂરી સિવાય કંઈ આવતું નથી. સમગ્ર રીતે અમીર અને ગરીબ વચ્ચે ખાઈ પહોળી થઈ છે, તે ગ્રામીણ વિસ્તારમાં ખેતમાલિક અને ખેતમજૂર વચ્ચે પહોળી થઈ છે. ખેતમજૂરનું જીવનધોરણ જીવનનિર્વાહના વધેલા ખર્ચથી નીચું ગયું છે. શિક્ષણ અને આરોગ્ય પાછળ ખેતમજૂર કુટુંબનો ખર્ચ વધી ગયો છે. સરકાર આ બંને ક્ષેત્રોમાં મોટા પાયે ખાનગીકરણ કરી રહી છે તેનું નુકસાન આ વર્ગને વધારે થઈ રહ્યું છે.

નિદાન એકવાર પાકું થાય તો સારવાર માટે વિચારી શકાય. ભારતમાં ખેતી પર નભતા લોકોની સંખ્યા વધારે પડતી છે, તે હવે ઘટાડવી પડશે. જો આ નિદાન નિષ્ણાતો માન્ય રાખતા હોય તો પછી તેના ઉપાયો વિશે વિચારી શકાય. આ નિદાન કદાચ કેટલાક માન્ય ના પણ રાખે. કેટલાક એવી પણ આશા રાખે કે હજીય સિંચાઈ વધી શકે છે. એક અંદાજ પ્રમાણે ભારત 13.95 કરોડ હેક્ટર જમીનમાં સિંચાઈ કરી શકે છે. તેમાંથી 8.49 કરોડ હેક્ટરમાં સિંચાઈ થવા લાગી છે. 40 ટકા વિસ્તારમાં હજીય સિંચાઈ થઈ શકે છે, તેથી આગામી દાયકામાં વધતી વસતિને અનાજ પૂરું પાડી શકાશે.

પણ વસતિ સ્થિર થયા પછી અને સિંચાઈની શક્યતા સ્થિર થયા પછી ખેડૂતની હાલત તો ત્યાંની ત્યાં નહિ હોય? તે પછી ખેડૂતની હાલત સુધારવા શું કરવાનું રહેશે? તે પછી પણ એ જ સવાલ આવીને ઊભો રહેવાનો છે કે ખેતી પર વધારે પડતા મનુષ્યોનો આધાર છે. વસતિ સ્થિર અને ખેતીનું ઉત્પાદન પણ સ્થિર થયા પછી ખેડૂતોની સ્થિતિ વિશે આ જ મુદ્દે વિચારવું પડશે, તો અત્યારથી જ શા માટે તે દિશામાં ના વિચારવું?ભારતનો ઔદ્યોગિક વિકાસ દર અત્યારે વિશ્વમાં ચીનથી પણ આગળ નીકળી ગયો છે. ફ્રાન્સને હટાવીને છઠ્ઠી સૌથી મોટી ઇકોનોમી બન્યું છે અને થોડા વર્ષો પછી અમેરિકા, ચીન પછી ભારત ત્રીજા નંબરે આવી જશે. પરંતુ તેમાં ચીન અને ભારતની સ્થિતિ એ રીતે જુદી છે કે બંનેની વિશાળ વસતિ છે. તેથી માથાદીઠ આવકમાં બંને દેશો પાછળ રહી જાય છે. તેથી સરખામણી કરવી હોય તો ચીન સાથે જ કરવી પડે. ચીન વિશાળ વસતિ હોવા છતાં મેન્યફેક્ચરિંગમાં મોટા પાયે પડ્યું તેના કારણે જીડીપીમાં પણ સૌથી આગળ નીકળી જવાનું છે અને માથાદીઠ આવકની બાબતમાં ભારત કરતાંય ઘણું આગળ રહેવાનું છે. સરેરાશ ભારતીય કરતાં સરેરાશ ચીનાની આવક બમણી હશે.ભારત જેવી જ સ્થિતિ ચીને પણ જોઈ છે. ચીને કરોડોનો નાશ કરનારા દુકાળ પણ જોયા છે. 2014માં ચીનની સરકારે અંદાજ મૂક્યો હતો કે ગામડાંમાં આટલી બધી વસતિ ટકી શકશે નહિ. તેમના માટે શહેરો બનાવવા પડશે. બાર વર્ષમાં, 2026 સુધીમાં 25 કરોડો લોકોને ગામડાંમાંથી કાઢીને શહેરોમાં ફેરવવા પડશે તેવો અંદાજ મૂકીને ચીનની સરકાર કામે લાગી ગઈ છે. ચીનમાં તેથી જ બહુ ઝડપે જંગી શહેરો બની રહ્યા છે, રસ્તા અને રેલવે બની રહ્યા છે. ભારતમાં આવું કોઈ આયોજન થયું નથી. (ભારતમાં એટલુંય આયોજન નથી કે સુરત અને અમદાવાદની વસતિ એક કરોડની થશે અને વડોદરા રાજકોટ 50 લાખે પહોંચશે, ત્યારે કેવી સુવિધાઓ જોઈએ.)આયોજનના બદલે ભારતમાં માત્ર ગુબ્બારા ચલાવવામાં આવે છે કે 2022 સુધીમાં ભારતના ખેડૂતોની આવક બમણી થઈ જશે. ખેડૂતોની વર્તમાન આવક જળવાઈ રહે એ જ અત્યારે ચિંતા છે. છેલ્લા દાયકામાં ખેતીનો ફાળો જીડીપીમાં નીચે જતો અટક્યો છે અને સ્થિર થયો છે, અને ગ્રામીણ આવકમાં પણ વધારો થયો છે. પરંતુ ફરી એકવાર ખેતી અને ગામડાંમાં નભતા લોકોની સંખ્યા હજીય એટલી વિશાળ છે કે આ વધારો તે ખાય છે અને ખબર પણ પડતી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]