દિલ્હીની અર્પિત પેલેસ હોટેલમાં ભયાનક આગ લાગી; 15 જણનાં કરૂણ મૃત્યુ

0
1306

નવી દિલ્હી – અહીંના કરોલ બાગ વિસ્તારમાં આવેલી અર્પિત પેલેસ હોટેલમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતાં 15 જણનાં મરણનો અહેવાલ છે.

ચાર-માળવાળી હોટેલમાં આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે આગ લાગી હતી. હોટેલની ટેરેસ પર રેસ્ટોરન્ટ આવેલી છે. આગને બુઝાવવા અગ્નિશામક દળની 27 ગાડીઓ સાથે જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સવારે 7.30 વાગ્યા સુધીમાં 25 જણને બચાવી લેવામાં આવ્યા હતા. 8.15 વાગ્યે દિલ્હી ફાયર બ્રિગેડના નાયબ વડા સુનીલ ચૌધરીએ કહ્યું હતું કે આગને કાબૂમાં લાવવામાં જવાનો સફળ થયા છે.

આઠ જણ ઘાયલ થયા હોવાનો પણ અહેવાલ છે. એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમાંના ચાર જણની હાલત ગંભીર છે.

કહેવાય છે કે આગથી બચવા માટે કેટલાક લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. એમાંના બે જણનું મરણ થયું છે.

હોટેલ 25 વર્ષ જૂની છે, એમાં 46 રૂમ્સ છે.