શ્રીલંકામાં સિરિયલ વિસ્ફોટોને પગલે મુંબઈના ચર્ચમાં સુરક્ષા સમીક્ષા કરાઈ

મુંબઈ – શ્રીલંકાના પાટનગર કોલંબો તથા અન્ય બે શહેરોમાં તાજેતરમાં કરાયેલા આઠ સિરિયલ ટેરર બોમ્બ વિસ્ફોટોએ સૌને હચમચાવી દીધા છે. એ હુમલાઓને પગલે મુંબઈમાં પણ તકેદારી લેવામાં આવી રહી છે. મુંબઈના ચર્ચોમાં સુરક્ષા વ્યવસ્થાની તાકીદે સમીક્ષા કરવામાં આવી રહી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસ અને મુંબઈ આર્ચડિયોસીઝ વચ્ચે એક બેઠક યોજાયા બાદ બાન્દ્રાના પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચ અને માહિમના સેન્ટ માઈકલ્સ ચર્ચમાં તાકીદનું સિક્યુરિટી ઓડિટિંગ કરવામાં આવ્યું છે.

હવે મુંબઈ પોલીસ સુરક્ષા પગલાં અંગેની ભલામણો શહેરભરના ચર્ચનાં સંચાલકોને આપશે.

મહારાષ્ટ્રના લઘુમતી પંચના ભૂતપૂર્વ વાઈસ-ચેરમેન ડો. અબ્રાહમ મથાઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે અમે સોફ્ટ ટાર્ગેટ્સ છીએ અને શ્રીલંકામાંના સિરિયલ ધડાકાઓ બાદ અમારા લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ છે. પોલીસ ટૂંક સમયમાં જ શહેરના મુખ્ય ચર્ચોમાં તાકીદનું સિક્યુરિટી ઓડિટિંગ કરશે.

મુંબઈના પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં એવું સૂચન કરાયું હતું કે શહેરના દરેક ચર્ચમાં સીસીટીવી કેમેરા સિસ્ટમ અને હેન્ડ-હેલ્ડ મેટલ ડીટેક્ટર્સ ઈન્સ્ટોલ કરવા જોઈએ.

મુંબઈ પોલીસ હવે માહિમના સેન્ટ માઈકલ્સ ચર્ચમાં દર બુધવારે સિક્યુરિટી ઓડિટ કરશે. આ ચર્ચમાં હજારો લોકો પ્રાર્થના કરવા માટે આવતા હોય છે.