US ડ્રોન તોડી પાડવાનો આદેશ અપાયા બાદ US-PAK વચ્ચે તણાવ વધ્યો

ઈસ્લામાબાદ- પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે. જેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે પાકિસ્તાની એરફોર્સના ચીફ સોહેલ અમાને પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કરનારા અમેરિકી ડ્રોનને તોડી પાડવાનો આદેશ અપાયા બાદ બન્ને દેશના સંબંધોમાં તણાવ વધ્યો છે.

પાકિસ્તાની એરફોર્સના ચીફ સોહેલ અમાને તેની સેનાને આદેશ આપ્યો છે કે, પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ ડ્રોનને તોડી પાડવામાં આવે. પછી તે અમેરિકાનું જ કેમ ના હોય.

આ ઘોષણા એ સમયે સાર્વજનિક કરવામાં આવી જ્યારે બે સપ્તાહ પહેલા અમેરિકન ડ્રોને અફઘાન સરહદ પાસે આવેલા પાકિસ્તાનના વિસ્તારમાં એક આતંકી કેમ્પને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો જેમાં ત્રણ આતંકી માર્યા ગયાં હતાં.

એક પ્રમુખ અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ પાકિસ્તાન હમેશાં પોતાની ધરતી ઉપર ડ્રોન હુમલાનો વિરોધ કરતું આવ્યું છે. જોકે હજી સુધી પાકિસ્તાન એ હિમ્મત નથી કરી શક્યું કે અમેરિકન ડ્રોનને તોડી પાડે. અથવા અમેરિકન ડ્રોનને તોડવાનો આદેશ આપી શકે.

ઈસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતાં પાકિસ્તાનના એરચીફ માર્શલ સોહેલ અમાને કહ્યું કે, ‘અમે કોઈને પણ પાકિસ્તાનની એરસ્પેસનું ઉલ્લંઘન નહીં કરવા દઈએ. મેં પાકિસ્તાની એરફોર્સને ડ્રોન તોડી પાડવા આદેશ આપ્યો છે. પછી તે અમેરિકાનું જ કેમ ન હોય? કારણ કે પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશનું કોઈ પણ ડ્રોન પાકિસ્તાનની સંપ્રભુતા માટે ખતરારુપ છે. જેથી અમે તેને તોડી પાડવા સ્વતંત્ર છીએ.