રોહિંગ્યા સંકટ: મ્યાનમારે નકાર્યો સંયુક્ત રાષ્ટ્રની ટીમના પ્રવાસનો પ્રસ્તાવ

મ્યાનમાર- રોહિંગ્યા મુદ્દે મ્યાનમાર સરકારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ટીમના મ્યાનમાર પ્રવાસના પ્રસ્તાવને નકારી દીધો છે. મ્યાનમાર સરકારે પહેલા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં રોહિંગ્યા શરણાર્થી સંકટનું સમાધાન લાવવા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ મ્યાનમાર સરકારે સ્થિતિનું નિરીક્ષણ કરવાનો ઈનકાર કર્યો છે.ઘટના અંગે કુવૈતના રાજદૂત મંસૂર-અલ-ઓતાઈબીએ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું કે, મ્યાનમાર સરકાર UN ટીમના ફેબ્રુઆરીના મહિનાના પ્રવાસને નકારી રહી છે. પરંતુ માર્ચ-એપ્રિલમાં UN ટીમના પ્રવાસનો મ્યાનમાર સરકારે વિરોધ નથી કર્યો. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પત્રકારોને સંબોધન કરતાં કુવૈતના રાજદૂતે મ્યાનમાર સરકારનો બચાવ કર્યો હતો અને કહ્યું કે, હાલનો સમય UN ટીમના પ્રવાસ માટે યોગ્ય નથી.

આપને જણાવી દઈએ કે, ગત વર્ષ ઓગસ્ટમાં શરુ થયેલી હિંસા બાદ આશરે 7 લાખ રોહિંગ્યા શરણાર્થીઓએ પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાહત શિવિરોમાં આશ્રય મેળવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમારની કાર્યવાહીને જાતીય સફાઈ તરીકે ગણાવી છે. ઉપરાંત UN પરિષદે રખાઈન પ્રાંતમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન વિસ્થાપિત થયેલા લાખો રોહિંગ્યા મુસલમાનોને પરત બોલાવવા મ્યાનમાર સરકારને જણાવ્યું છે.