કાબુલમાં હુમલો કરનારાઓને પાકિસ્તાનમાં અપાઈ હતી ટ્રેનિંગ: અફઘાનિસ્તાન

કાબુલ- અફઘાનિસ્તાને પાડોશી દેશ પાકિસ્તાનને એ વાતના પુરાવા સોંપ્યા છે કે, હાલમાં અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા અનેક આતંકી હુમલાઓમાં આતંકવાદીઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાનને એ પણ પુરાવા આપ્યા છે કે, તાલિબાની નેતાઓ પાકિસ્તાનમાં જાહેરમાં કોઈપણ રોકટોક વગર ફરી રહ્યાં છે.આ અંગેની માહિતી આપતાં અફઘાનિસ્તાનના ગૃહપ્રધાને કહ્યું કે, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલી એક બેઠકમાં અફઘાનિસ્તાને પુરાવાઓ રજૂ કર્યા હતાં. આ બેઠકમાં અફઘાનિસ્તાનના જાસુસી વિભાગના પ્રમુખ અને પાકિસ્તાનના સૈન્ય અધિકારી અને જાસુસી વિભાગના અધિકારી પણ હાજર રહ્યાં હતાં.

અફઘાનિસ્તાનના નેતાએ કહ્યું કે, અમે પુરાવાઓ રજૂ કર્યા છે. હવે એ જવાબદારી પાકિસ્તાનની બને છે કે, ભવિષ્યમાં પાકિસ્તાન આ પ્રકારના હુમલાઓ થતાં અટકાવે. પાકિસ્તાન તરફથી હજી સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઘટના અંગે તપાસ કરવા પાકિસ્તાનનું એક પ્રતિનિધિ મંડળ શનિવારે કાબુલ જશે.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ કાબુલમાં તબક્કાવાર રીતે આતંકી હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન તાલિબાન અને ISએ લીધી હતી. આ ઉપરાંત કાબુલની હોટલ ઈન્ટરકોન્ટિનેન્ટલ ઉપર પણ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો.