આગામી દશકામાં આ ક્ષેત્રોમાં થશે 80 ટકા રોજગારીનું સર્જન

ગાંધીનગર- આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2019માં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ (STEM) ના ચાર સ્તંભો દ્વારા કૌશલ્યવાન માનવબળના નિર્માણ માટે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે. કોન્ફરન્સમાં ચારેય ક્ષેત્રના વૈશ્વિક તજજ્ઞો સમૂહ ચિંતન કરશે. આ કોન્ફરન્સ સંદર્ભે શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, આગામી દશકામાં સાયન્સ અને મેથેમેટિક્સ જેવા ક્ષેત્રોમાં અંદાજે 80 ટકા રોજગારીનું સર્જન થશે. આ વાતને ધ્યાનમાં લઈને જ આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગોને અનુરૂપ કૌશલ્યવાન માનવબળના ઘડતરમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ (STEM)  ક્ષેત્રોને મહત્વ આપી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે.

આ કોન્ફરન્સમાં ભારત સરકારના માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરના અધ્યક્ષસ્થાને ખાસ રાઉન્ડ ટેબલ બેઠક પણ યોજવામાં આવશે. સાયન્સ સિટી અમદાવાદ ખાતે 17 જાન્યુઆરી 2019 ના રોજ આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે.

અંજુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, STEMને પ્રોત્સાહન માટે નીતિગત નિર્ણયો લેવામાં અને વ્યવહારૂ ઉકેલ શોધવાનો આ કોન્કલેવનો ઉદ્દેશ છે. આ ઉપરાંત શિક્ષણની વિકાસ યોજના તૈયાર કરી ઉદ્યોગોને જરૂરી એવા કૌશલ્યો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઘડતર થતા કૌશલ્યો વચ્ચેના અવકાશને ઘટાડવા STEM ક્ષેત્રો સેતુરૂપ ભૂમિકા ભજવી શકે તે આ કોન્ફરન્સનો ઉદ્દેશ છે. કોન્ફરન્સમાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં ‘સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ’ (STEM) ને કેવી રીતે પ્રોત્સાહન આપવું તે અંગે અગ્રણી શિક્ષણવિદ્દ, વરિષ્ઠ અધિકારીઓ, પોલીસીમેકર્સ, ઉદ્યોગપતિઓ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા-વિચારણાનું આયોજન કરાશે.

આ પ્રસંગે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની સાથે-સાથે શ્રેષ્ઠ રીસર્સ પેપરનું પણ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ દ્વારા વિભાગને 100 થી વધુ રીસર્ચ પેપર્સ પ્રાપ્ત થયાં છે. આ રીસર્ચ પેપર્સને રીવ્યુ કરીને જર્નલની વિશેષ આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવશે. (1) STEM ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પોલીસી સુધારણા (2) STEM ડિસીપ્લીનને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક અધ્યયન અને ઈનોવેશન (3) રીસર્ચ ક્ષેત્રમાં STEMનું યોગદાન એમ ત્રણ કેટેગરીમાં વિદ્યાર્થીઓ દ્વારા પેપર્સને પ્રેઝન્ટ કરવાની તક આપવામાં આવશે. શ્રેષ્ઠ 3 રીસર્સ પેપર્સને અનુક્રમે રૂ. 1 લાખ, રૂ. 75,000 અને રૂ. 50,000 ના ઈનામ આપવામાં આવશે.

કોન્ફરન્સના પ્રારંભિક સત્રમાં ગુજરાતની વિવિધ 65 યુનિવર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા સાયન્સ, એન્જિનિયરીંગ, ટેકનોલોજી ક્ષેત્રના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અને વિષય તજજ્ઞો ઉપસ્થિત રહેશે.

આ કોન્ફરન્સમાં ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટીફિક એડવાઈઝર પ્રોફેસર કે.વિજય રાઘવન, ઉચ્ચશિક્ષણ મંત્રાલયના સચિવશ્રી આર.સુબ્રમણ્યમ, જેસી બોઝ નેશનલ ફેલો, પ્રોફેસર મશીન ઈન્ટેલિજન્સ યુનિટ અને ડિરેક્ટર, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટીટ્યુટ પ્રોફેસર સંઘમિત્રા બંદોપાધ્યાય, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સ પ્રોફેસર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બફેલો યુનિવર્સિટીના ડીન ડૉ. લીસલ ફોલ્ક્સ (Dr. Liesl Folks), ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ હૈદરાબાદના સેન્ટર ડિરેક્ટર પ્રો. વી.ચંદ્રશેખર, ડ્યુક યુનિવર્સિટીના સિવિલ એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરીંગના પ્રોફેસર માઈક બર્ગિન (Mike Bergin) સહિતના તજજ્ઞો “STEM ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન – ભારતમાં રહેલી તકો” વિષય પર ચર્ચા-વિચારણા કરશે.