દેશભરના દિવ્યાંગ બાળકોએ 21 કૃતિમાં રજૂ કરી ‘આકાંક્ષા’

ગાંધીનગર- પાટનગર ગાંધીનગરમાં રાષ્ટ્રીય ઇન્સ્ટિટયુટ ઓફ ઓપન સ્કૂલિંગના ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટેનો
‘આકાંક્ષા-ચલો કરે કુછ ખાસ’ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં દેશભરના 18 સેન્ટરના 21 બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. દેશના વિવિધ સેન્ટરોના ૨૧ જેટલા અલગ અલગ કેટેગરીના દિવ્યાંગો દ્વારા માત્ર ૩૬ કલાકના ઓછા સમયમાં આ  સમગ્ર કાર્યક્રમ રજૂ કરાયો છે જે એક સિદ્ધિ છે.સમાજમાં દિવ્યાંગ બાળકો-વિદ્યાર્થીઓમાં રહેલો આત્મવિશ્વાસ-ઉત્સાહ જ તેમના જીવનમાં સફળતા માટેનું સૌથી મોટું પ્રેરક બળ છે, આપણે સૌએ તેનું સન્માન કરવું જોઇએ તેમ આજે ગાંધીનગર ખાતે દિવ્યાંગ બાળકો માટેના ‘આકાંક્ષા-ચલો કરે કુછ ખાસ’ થીમ અંતર્ગત યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું.સમાજમાં દરેક દિવ્યાંગ બાળકો નિયમિત શાળાએ જઇ શકતા નથી, તેવા બાળકોની કારકિર્દી માટે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન (N.I.O.S.) સાચા અર્થમાં આશીર્વાદ સમાન છે. આવા દિવ્યાંગ બાળકો N.I.O.S.ના માધ્યમથી પોતાની આકાંક્ષા-સપનાને પાંખો આપી ઉડાન ભરી શકે છે. N.I.O.S.ના માધ્યમથી સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૮ લાખ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે જે એક અદભૂત સિદ્ધિ છે. કૃત્રિમ પગ વડે એવરેસ્ટ સર કરનાર દિકરી ડૉ. અરુણિમાસિંહા અને પ્રજ્ઞાચક્ષુ મહાન કવિ સંત સૂરદાસનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોમાં કોઇ એક ખામીની સામે અન્ય ક્ષમતા વિશેષ હોય છે જેના બળ પર તે સિદ્ધિ  પ્રાપ્ત કરે છે, તેમની આંતરિક શક્તિ જ તેમને સફળતા અપાવે છે.N.I.O.S. અને C.S.R. હેઠળ જે.કે.લક્ષ્મી સિમેન્ટના સંયુકત ઉપક્રમે ઇન્ફોસિટી ગાંધીનગર ખાતે યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના ‘આકાંક્ષા’ કાર્યક્રમમાં અલાહાબાદ, બેંગલુરૂ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નઇ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટ્ટી, હૈદરાબાદ, જયપુર, કોચી, પટણા, કોલકત્તા, પૂના, રાયપુર, રાંચી, વિશાખાપટ્ટનમ અને દહેરાદૂન ખાતે આવેલા વિવિધ રાજ્યોના પ્રાદેશિક N.I.O.S. સેન્ટરના કુલ ૨૧ દિવ્યાંગ બાળકોએ ‘ચલો કરે કુછ ખાસ’ ની થીમ પર અલગ અલગ આબેહૂબ અને હ્રદયસ્પર્શી કૃતિઓ રજૂ કરી હતી. આ બદલ રાજ્યપાલશ્રીના હસ્તે તમામ બાળકોને સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે N.I.O.S. ના ચેરમેન શ્રી પ્રો. સી. બી. શર્મા, ઇન્ફર્મેશન એન્ડ લાયબ્રેરી નેટવર્ક સેન્ટરના ડાયરેકટરશ્રી, જે.કે.લક્ષ્મી સિમેન્ટના પ્રતિનિધિ, સમગ્ર દેશમાંથી આવેલા N.I.O.S. સેન્ટરના ફેકલ્ટીઝ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.