બાપુનું એલાનઃ ભાજપની સામેનો PM જોવા માગુ છું, વિપક્ષોના મતોના ભાગલા ન પડે તેવી ભૂમિકા ભજવીશ

0
2030

ગાંધીનગર-  પૂર્વ ભાજપી, પૂર્વ કોંગ્રેસી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપ સરકારની સામેના મહાગઠબંધન મોરચા માટે મધ્યસ્થી- પૂરક ભૂમિકા ભજવવાનું જોરશોરથી એલાન કરી દીધું છે. આ સાથે ગુજરાતના જ નહીં દેશના રાજકારણમાં એક નવો આયામ સામે આવી રહ્યો છે.વાઘેલાએ પોતાના નિવાસસ્થાને પત્રકાર પરિષદ બોલાવી પોતાની આ ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લાં પાંચ માસમાં રાષ્ટ્રીય સ્તરના તમામ દિગ્ગજોને મળ્યો છું. જેમાં મમતા બેનર્જી, રાહુલ ગાંધી શરદ પવાર અને લાલકૃષ્ણ અડવાણીને પણ મળ્યો છું. પાંચ માસમાં ભારતભ્રમણ કરતાં ભાજપ સામેના વિરોધી દળોની વચ્ચે જોડનાર કડી તરીકે સક્રિય કામ કરવા અનેક લોકોએ મને જણાવ્યું હતું.

વાઘેલાએ જણાવ્યું કે તેમણે નિર્ણય લીધો છે કે તેઓ એનસીપી કે કોંગ્રેસમાં જોડાશે નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોને સાથે રાખવાની ભિમિકા ભજવીને ભાજપની સામેના મતોના ભાગલા ન પડે અને 2019માં ભાજપ સિવાયની સરકાર રચાય તેના પ્રયત્નોમાં જોડાઇશ.

રીજનલ પક્ષોના ખેરખાંઓ લોકસભાની 60 ટકા બેઠકો લઈ જાય છે તેમના મતભેદો કોણ દૂર કરે, તે માટેની મારી ભૂમિકા છે. હું કોઈ કિંગમેકરની ભૂમિકામાં નથી આ તો અન્યોનું પોલિટિકલ વિશ્લેષણ માત્ર છે.

એક તબક્કે લાલકૃષ્ણ અડવાણી સંદર્ભે તેમણે જણાવ્યું કે હું તેમને મળ્યો હતો અને તેમણે મને જણાવ્યું હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. દિવસભર ચાલેલી એનસીપી જોડાણની શક્યતાને રદીયો આપતાં વાઘેલાએ કહ્યું કે તેઓ એનસીપી કે કોંગ્રેસમાં જોડાશે નહીં. પણ ભાજપ સામે જે કોઇ પક્ષ છે તેમના માટે નક્કર કામગીરીમાં જોડાઇશ. તેમણે મહાગઠબંધનમાં કોઈ હોદ્દો કે સ્થાન ગ્રહણ કર્યાં વિના ત્રીજ નહીં પણ બીજો મોરચો બને તે માટે પૂર્ણરુપે લોકસભા ચૂંટણીમાં સક્રિય બની કેન્દ્ર વિરોધની વાત દોહરાવી હતી. ભાજપની સામે હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમ જ ભાજપ સામેના પક્ષોને કડવાશ ન આવે અને તેઓ ભેગાં રહે તેવો પ્રયત્ન એ મુખ્ય ભૂમિકા રહેશે, પોતે 2019ની ચૂંટણી લડશે કેમ તેવા પ્રશ્નનો વહેલો ગણાવી છેદ ઉડાવી દીધો હતો.

અહેમદ પટેલને ફાર્મહાઉસમાં મળ્યાં વિશે વાઘેલાએ કહ્યું કે તેમને મળવું એ ચોરી નથી કે ખોટું નથી.

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનત પણ હું નથી તો લ્યો તમે બનાવો સરકાર એ દ્વારા કોંગ્રેસને પણ તેમણે એકસમયે ટોણો મારતાં સ્પષ્ટ કર્યું કે પોતે બે દિવસ પછી દિલ્હી જવાના છે. અને મહાગઠબંધનમાં તેમની ભૂમિકા માટે વાતોચીતો કરશે, પ્રજાના પ્રતિનિધિ તરીકેનો મારો રોલછે અને હું ભાજપની સામેનો વડાપ્રધાન જોવા માગુ છું. ઘરવાસપીની શોધમાં નથી. મારા માટે અન્ડરલાઈન એ છે કે ભાજપની સામેના મતોનું વિભાજન ન થાય તે માટે જે થાય તે તમામ કરી છૂટવું.

વાઘેલાં એ અન્ય અનેર નાનામોટા પ્રશ્નોના જવાબ આપતાં આગામી સમયમાં ખાસ કરીને લોકસભા ચૂંટણી માટે તેઓ વિપક્ષ તરફથી મંચ ગજાવશે તેવો સ્પષ્ટ સંદેશ આજે આ જાહેરાતો અને નિવેદનો દ્વારા આપી દીધો છે.