ગુજરાતની તમામ બેઠકો મોદીજીને આપવાની જવાબદારી જનતાનીઃ અમિત શાહ

જુનાગઢઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે આજે જુનાગઢના કોડીનારમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે જાહેરસભાને સંબોધન કરતા કહ્યું કે હું જ્યાં પણ ગયો ત્યાં એક જ સાદ છે મોદી…મોદી… દેશની જનતા નરેન્દ્રભાઈને ફરીએકવાર વડાપ્રધાન બનાવવા માટે તૈયાર બેઠી છે પરંતુ નરેન્દ્ર મોદીની ઝોળીમાં 26 સીટો નાંખવાનું કામ ગુજરાતની જનતાએ કરવાનું છે અને તેની શરુઆત જુનાગઢથી કરવાની છે.

મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરતા અમિત શાહે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં એક સમય હતો જ્યારે ડેરીઓ બંધ થઈ રહી હતી જ્યારે મોદી સાહેબે જુનાગઢમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ કરીને પશુપાલકો માટે આવકનો નવો રસ્તો ખોલવાનું કામ કર્યું છે. સૌરાષ્ટ્રને એઈમ્સ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગરીબો માટે આવનારા સમયમાં આ એઈમ્સ પોતાની તબિયત સાચવવા માટેનું મોકળું સાધન છે. અમિત શાહે જણાવ્યું કે સૌની યોજના વડાપ્રધાન જ્યારે લઈને આવતા હતા ત્યારે કોંગ્રેસ વાળા મજાક ઉડાવતા હતા પરંતુ આ યોજનાના પાણી જ્યારે ગામડા સુધી પહોંચ્યા ત્યારે કોંગ્રેસીઓના મોઢા બંધ થઈ ગયા.

કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે જણાવ્યું કે, રાહુલબાબા આજે ગરીબ કલ્યાણની વાત કરો છો? 55-55 વર્ષ અને 4 પેઢી સુધી તમારા પરિવારે શાસન કર્યું પણ ગરીબોનું કંઈ ન થયું. જ્યારે પાંચ વર્ષની અંદર કરોડો ગરીબોના જીવનમાં અજવાળુ પાથરવાનું કામ મોદી સરકારે કર્યું છે. અમે અઢી કરોડ ગરીબોને મકાન આપ્યા, અઢી કરોડ લોકોના મકાનમાં વિજળી પહોંચાડી. 70 વર્ષમાં તમે વિજળી ન પહોંચાડી શક્યા અને અમે વિજળી પહોંચાડી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે દેશને સુરક્ષિત કરવાનું કામ બીજેપીની સરકારે કર્યું છે. પુલવામાના શહિદોના 13મા ના દિવસે પાકિસ્તાનમાં ઘુસીને, આતંકીઓના ઘરમાં ઘુસીને તેમના ફુરચેફુરચા ઉડાવી દેવાનું કામ મોદીજીએ કર્યું. છે.રાહુલ બાબા તમે આતંકીઓ સાથે ઈલુ-ઈલુ કરો. પરંતુ અમે પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપના ગોળાથી આપશું. હવે આતંકવાદને સહન નહી કરવામાં આવે. મોદી સીવાય આ દેશને કોઈ સુરક્ષા આપી શકે તેમ નથી.

અમિત શાહે કોડીનારની જનતાને કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તે નક્કી છે પરંતુ હું આજે ગુજરાતને જુદી વાત કરવા માટે આવ્યો છું પરંતુ આપણું ગૌરવ એમાં છે કે આપણે ગુજરાતની તમામ 26 સીટો નરેન્દ્ર મોદીની જોળીમાં નાંખીએ…