કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય આશા પટેલે આખરે કેસરીયો ધારણ કરી લીધો…

0
1605

પાટણઃ પાટણ ખાતે ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. આ ક્લસ્ટર સંમેલનમાં ઊંઝા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. બે દિવસની નાટ્યાત્મક હા-નાનો માહોલ ગરમાયાં બાદ આખરે પડદો ઊઠી ગયો હતો. આશાબહેન સાથે તાલુકા પંચાયતના 10 સભ્યો સહિત 1100 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આશાબહેનને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતાં.

ભાજપ દ્વારા પાટણની કે.સી.પટેલ વિદ્યા સંકૂલમાં કલસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, હરિયાણાના સીએમ મનહરલાલ ખટ્ટર અને પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ સહીત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. જ્યારે આશાબેન પટેલ સહિત તેમના સમર્થકો સભા સ્થળ પર આવી પહોંચ્યાં હતા.

આ ક્લસ્ટર સંમેલનના કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ ત્રણેય જિલ્લાની લોકસભા બેઠકોના સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

પાર્ટીમાં જોડાતા પહેલા આશાબેને પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ મારી યોગ્યતા જોઇ જે કામ આપશે તે હું પુરા ખંતથી કરીશ. પાર્ટીમાં મને લઇને જે નિર્ણય લેવાશે તે મારા માટે આખરી નિર્ણય હશે. તેમણે ઉમેર્યું હતું કે, હું ભાજપના સામાન્ય કાર્યકરની જેમ BJPમાં જોડાઈ છું. મેં રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિનભાઇ સાથે મુલાકાત કરીને મેં તેમના આર્શીવાદ લીધા હતા.