આસ્થા અને મોક્ષની ડૂબકી લગાવવા CM રૂપાણી કુંભ મેળામાં

પ્રયાગરાજ– કુંભના મેળામાં આસ્થા અને મોક્ષની ડૂબકી લગાવવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓની સાથે નેતાઓ પણ આવે છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પત્ની સાથે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં પહોંચ્યા હતાં.

ગુરુવારે રાત્રે જ પ્રયાગરાજ પહોંચેલા વિજય રૂપાણી અને અંજલી રૂપાણીએ અરૈલ સ્થિત ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કર્યું. શુક્રવારે સવારે અરૈલના VIP ઘાટ પર સંગમમાં ડૂબકી લગાવી. સંગમમાં સ્નાન બાદ સંગમ તટે આવેલા હનુમાનજીના દર્શન કર્યા. ત્યારબાદ સીએમ રૂપાણી અક્ષયવટ ગયા.

પવિત્ર અક્ષયવટની મુખ્યપ્રધાને મુલાકાત લઈને દર્શન કર્યાં હતાં. અંદાજે 450 વર્ષ જૂના આ અક્ષયવટના વૃક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. એવુ માનવામાં આવે છે કે, આ વડ નીચે ભગવાન શ્રી રામ અને સીતા માતાએ સમય વિતાવ્યો હતો.

ત્યારબાદ હનુમાન મંદિરના મહંત નરેંદ્ર ગિરિ અને આનંદ ગિરિએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિજય રૂપાણીને પૂજા કરાવી. પૂજન-અર્ચન બાદ સીએમ થોડીવાર મંદિર પરિસરમાં મહંત સાથે ચર્ચા પણ કરી હતી.

વિજય રૂપાણીએ પ્રયાગરાજ ખાતે અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાની મુલાકાત લઇ સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુરુવારે સાંજે વારાણસી માં દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા મૈયાની  સંધ્યા આરતીમાં ભક્તિ ભાવ પૂર્વક જોડાયા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]