ગુજરાતઃ 1 ઓગસ્ટથી 330 પંચાયતોમાં શરુ થશે આ મહાઝૂંબેશ

   સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ: #હું છું સ્વચ્છ-સ્વચ્છ ગુજરાત હેશટેગનું લોન્ચિંગ
 
ગાંધીનગર– દેશભરના ગામડાઓના સંખ્યાત્મક અને ગુણાત્મક મૂલ્યાંકન દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ઉત્તમ રાજ્યો અને ઉત્તમ જિલ્લાઓની પસંદગી માટે યોજાનાર સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ઝૂંબેશમાં ગુજરાત મોખરે રહે તેવા હેતુ સાથે રાજ્યવ્યાપી ઝૂંબેશ આવતીકાલ પહેલી ઓગસ્ટથી લોન્ચ થવાની જાહેરાત ગ્રામ વિકાસપ્રધાન આર.સી.ફળદુએ કરી હતી.ફળદુએ આ સાથે જણાવ્યું કે  ‘‘સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત’’ના મંત્રને લઇને દેશભરમાં સ્વચ્છતા અંગે જે  કામ થઇ રહ્યું છે તેમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદાન કર્યુ છે અને નગરો-ગામો સંપૂર્ણ ઓ.ડી.એફ. બની ગયા છે.

1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સ્વતંત્ર એજન્સી દ્વારા યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યનું વહીવટી તંત્ર શ્રેષ્ઠ કામગીરી કરીને દેશને નવો રાહ ચીંધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના નગરો, ગામડાઓમાં શૌચાલયો, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, પી.એચ.સી. સહિત તમામ સ્થળોની સુપેરે સ્વચ્છતા થાય તે માટે લોકોને જાગૃત કરીએ તેમ જ પદાધિકારીઓ અને અધિકારીઓ ખભે ખભા મિલાવી આ અભિયાનમાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી.

મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંધે તમામ જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને સ્વચ્છતા ક્ષેત્રે લોકોને જાગૃત કરીને આ સર્વેક્ષણનો હેતુ તમામ સુધી પહોંચે તેવા પ્રયાસો કરવા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા ભારપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતમાં આ કામગીરી ૩૩ જિલ્લાની ૩૩૦ ગ્રામ પંચાયતો, ૧૬૫૦ સાર્વજનિક સ્થળોની મુલાકાત અને ૩ લાખથી વધુ નાગરિકોના રૂબરૂ ઓનલાઇન પ્રતિભાવ મેળવીને હાથ ધરાશે. સર્વેક્ષણમાં શાળાઓ, આંગણવાડી, જાહેર આરોગ્ય કેન્દ્રો , હાટ, બજારો, ધાર્મિક સ્થળો જેવા સાર્વજનિક સ્થળોની સ્વચ્છતાની વાસ્તવિક પરિસ્થિતિની ચકાસણી કરવામાં આવશે.

સર્વેક્ષણમાં ત્રણ તબક્કામાં મૂલ્યાંકનના માપદંડો નિયત કરાયા છે. જેમાં ૩૦ ટકા મહત્વ શૌચાલયોના નિર્માણ, તેની ઉપયોગીતા, સ્વચ્છતા; ૩૫ ટકા મહત્વ જાહેર સ્થળોની સ્વચ્છતા તથા ૩૫ ટકા મહત્વ ગામલોકો-નાગરિકોના સ્વચ્છતા અંગેના પ્રતિભાવોનું છે. જેમાં બેઠકો, વ્યક્તિગત મુલાકાતો, સામૂહિક ચર્ચાવિચારણા કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનાર આ સર્વે સ્વતંત્ર એજન્સી દ્વારા કરાશે તેમ જ ગામડાંઓની પસંદગીની જાણ પણ કોઇને થશે નહીં.

આ પ્રસંગે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે હેઝટેગ #હું છું ગુજરાત લોન્ચ કરાયું હતું. તથા સ્વચ્છતા માટે સ્વયં યોગદાન આપવા ઇચ્છતા યુવાનો માટે ઓનલાઇન ‘મહાત્મા ગાંધી વોલિન્ટીયર્સ’ ની રજિસ્ટ્રેશન એપ’નું પણ લોન્ચિંગ કરાયું હતું.