એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચઃ કોહલીની ટીમની થશે આકરી કસોટી

બર્મિંઘમ – ભારત અને ઈંગ્લેન્ડની ટીમ એમની વચ્ચે પાંચ-મેચોની ટેસ્ટ સિરીઝનો આવતીકાલથી અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરશે.

ભારત ઈંગ્લેન્ડમાં 2007ની સાલથી ટેસ્ટ સિરીઝ જીત્યું નથી. છેલ્લે એ જીત રાહુલ દ્રવિડના સુકાનીપદ હેઠળ મેળવી હતી. હવે એ સિદ્ધિનું પુનરાવર્તન કરવામાં વિરાટ કોહલીના સુકાન હેઠળ ટીમની આકરી કસોટી થશે.

ઈંગ્લેન્ડ ખાતેના લાંબા પ્રવાસમાં ભારત ટ્વેન્ટી-20 સિરીઝ 2-1થી જીત્યું, પણ વન-ડે સિરીઝ 1-2થી હારી ગયું છે. હવે ટેસ્ટ સિરીઝમાં ભારતે કમબેક કરવાનું છે. જોકે ટેસ્ટ ફોર્મેટ પ્રત્યેક ક્રિકેટર માટે ત્રણેય ફોર્મેટમાં વધારે પડકારજનક છે.

નિષ્ણાતોનું માનવું છે કે ભારત પાસે હાલ જે ફાસ્ટ બોલિંગ આક્રમણ છે એ તાજેતરના વર્ષોમાં શ્રેષ્ઠતમ છે. વળી, ઈંગ્લેન્ડમાં હવામાન તથા પિચ ફાસ્ટ બોલરોને યારી આપવા માટે જાણીતી છે.

ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ પહેલી ત્રણ ટેસ્ટ મેચમાં રમી શકવાના નથી, પરંતુ ભારત પાસે મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર છે. આ ચારેયને ટેકો મળશે મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાનો.

કોહલીએ તેના ફાસ્ટ બોલરોનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવાનો રહેશે.

પહેલી ટેસ્ટમાં ભારત કદાચ એક સ્પિનરને પણ સામેલ કરે એવી ધારણા છે. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ભારતનું સ્પિન આક્રમણ સંભાળતા આવ્યા છે, પણ હવે ભારત પાસે ચાઈનામેન બોલર કુલદીપ યાદવ પણ છે. તેથી આ ત્રણમાંથી કોહલી કોની પસંદગી કરે છે એ જોવાનું રહ્યું.

વિકેટકીપિંગ દિનેશ કાર્તિક કરે એવી ધારણા છે. ટીમ મેનેજમેન્ટ યુવા રીષભ પંત કરતાં અનુભવી કાર્તિકને ઈલેવનમાં સામેલ કરવાનું પસંદ કરશે.

બેટિંગની બાબતમાં ભારતને અમુક ચિંતા સતાવે છે. ટોપ ઓર્ડરના બે બેટ્સમેન – શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાનું કંગાળ ફોર્મ ચિંતા કરાવે છે. મુરલી વિજય અને લોકેશ રાહુલ દ્વારા કદાચ દાવનો આરંભ કરાવાય એવું પણ બોલાઈ રહ્યું છે.

ઘવન ટ્વેન્ટી-20 સિરીઝમાં નિષ્ફળ ગયો હતો, પણ વન-ડે મેચોમાં 40, 36, 44 રન કર્યા હતા. ત્યારબાદ એસેક્સ સામેની વોર્મ-અપ મેચમાં બંને દાવમાં ઝીરો પર આઉટ થયો હતો. બીજી બાજુ, રાહુલે 58 અને અણનમ 36 રન કર્યા હતા.

મિડલ ઓર્ડર વિજય, કોહલી અને વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે સંભાળશે.

ઈંગ્લેન્ડની ટીમનો મુખ્ય આધાર એના ફાસ્ટ બોલરો છે. જેમ્સ એન્ડરસન 138 ટેસ્ટમાં 540 વિકેટ લેવાનો અનુભવ ધરાવે છે તો સ્ટુઅર્ડ બ્રોડ 118 ટેસ્ટમાં 417 વિકેટ લઈ ચૂક્યો છે. આ બંનેને સાથ મળશે નવોદિત સેમ કરન અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો.

ઈંગ્લેન્ડની ઈલેવનઃ એલેસ્ટર કૂક, કીટન જેનિંગ્સ, જો રૂટ (કેપ્ટન), ડેવિડ માલન, જોની બેરસ્ટો (વિકેટકીપર), બેન સ્ટોક્સ, જોસ બટલર, સેમ કરન, આદિલ રશીદ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.

(એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર નેટ પ્રેક્ટિસ કરતા ભારતના ખેલાડીઓ)

httpss://twitter.com/BCCI/status/1023934991049211910