મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કમ્પ્યુટર સિસ્ટમ્સ બગડતાં વિમાન સેવા ખોરવાઈ

મુંબઈ – અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે સાંજના સમયે કમ્પ્યુટર સિસ્ટમ બગડી જતાં એટલે કે LAN નેટવર્ક બગડી જતાં ફ્લાઈટ્સનું પ્રસ્થાન એક કલાક જેટલું મોડું થયું છે.

એએનઆઈ સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ, કમ્પ્યુટર સિસ્ટમ બગડી જતાં તમામ એરલાઈન્સની ચેક-ઈન પ્રક્રિયાને માઠી અસર પહોંચી હતી. હાલના સમયે ચેક-ઈન પ્રક્રિયા કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત રીતે કરવામાં આવી રહી છે.

સિસ્ટમ બગડવાના કારણની હજી સુધી જાણકારી મળી નથી. એની તપાસ ચાલુ છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે કામગીરી ટૂંક સમયમાં જ રાબેતા મુજબની થઈ જશે.
મુંબઈ એરપોર્ટ માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંનું એક છે. આ એરપોર્ટ પર વર્ષેદહાડે 4 કરોડ 50 લાખ જેટલા પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે.