નવરાત્રી વેકેશનને લઈને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલી રહેલી ચર્ચાઓનો આખરે અંત આવી ગયો છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ સંબોધીને નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી છે. 10 થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે તો 5 થી 18 નવેમ્બર સુધી એટલે કે 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે.
મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો છે. ઘણી જગ્યાએ શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રીનું વેકેશન તા.15 થી 21 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરેલા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ.9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે. મહત્વની વાત તો એ છે કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી વેકેશન અંગેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો નથી.
ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું કે નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે તેની સામે દિવાળી વેકેશનમાં સાત દિવસનો કાપ પણ મૂકવામાં આવ્યો છે જેથી વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય એક પણ દિવસનું ઘટતું નથી. પહેલા દિવાળી વેકેશન 5 થી 25 નવેમ્બર સુધીનું હતું જ્યારે એમાં સાત દિવસનો કાપ મુકીને તેની જગ્યાએ સાત દિવસનું નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું છે.