‘સિમ્બા’નું ટ્રેલર રિલીઝ કરાયું; ફિલ્મ એક્શન, મસાલાથી ભરપૂર હોવાનો અંદાજ

0
2010

મુંબઈ – આગામી હિન્દી ફિલ્મ ‘સિમ્બા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર પરથી કહી શકાય કે દિગ્દર્શક રોહિત શેટ્ટીની આગવી સ્ટાઈલની આ એક વધુ ફિલ્મ છે.

છેલ્લા કેટલાક દિવસોથી રણવીર એની સહ-કલાકાર દીપિકા પદુકોણની સાથેના લગ્નના સમાચારોમાં જ રહ્યો હતો. લગ્ન બાદ એની જે પહેલી ફિલ્મ રિલીઝ થવાની છે તે ‘સિમ્બા’નું ટ્રેલર આજે રિલીઝ કરાયું છે, જે 2 મિનિટ અને 50 સેકંડનું છે. ઈન્સ્પેક્ટર બનેલા રણવીરમાં ગજબની ઊર્જા ટ્રેલરમાં જોઈ શકાય છે.

ટ્રેલરની શરૂઆતમાં અને અંતમાં અજય દેવગનને બતાડવામાં આવ્યો છે જે અગાઉ રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ ફિલ્મમાં ટાઈટલ ભૂમિકામાં, ઈન્સ્પેક્ટરના રોલમાં ચમક્યો હતો.

ટ્રેલરની શરૂઆત ફ્લેકબેક સાથે થાય છે. જેમાં અજય દેવગન સિંઘમના રોલમાં છે. ત્યાં એક બાળકને પણ એક ફ્રેમમાં બતાવવામાં આવ્યો છે જે આગળ જઈને લાંચીયો પોલીસ ઈન્સ્પેક્ટર બને છે. જોકે રણવીરે આ રોલને તેના અભિનય દ્વારા જીવંત બનાવી દીધો છે.

ટ્રેલરના એક દ્રશ્યમાં રણવીર એવું બોલે છે કે એ પૈસા બનાવવા માટે જ પોલીસની નોકરી કરી રહ્યો છે. કામ સારું હોય કે ખરાબ, એનો હેતુ માત્ર પૈસા બનાવવાનો જ છે. નોટોના બંડલ હાથમાં પકડેલો રણવીર એકદમ સ્વાર્થી અને લાંચીયો દેખાય છે.

ફિલ્મમાં રણવીરની પ્રેમિકા બની છે સારા અલી ખાન.

ફિલ્મની વાર્તામાં એક વળાંક એ છે કે એક છોકરીનો રણવીર સાથે ભાઈ-બહેનનો સંબંધ છે. એ જ બહેન પર બળાત્કાર થાય છે. બળાત્કારીઓ સોનુ સૂદ અને એના ભાઈઓ છે. રણવીર બળાત્કારીઓને કેવી સજા અપાવે છે તે આ ફિલ્મમાં જોવા મળશે. ‘દબંગ’માં એ આ પ્રકારની જ ભૂમિકામાં જોવા મળ્યો હતો.

‘સિમ્બા’ ફિલ્મમાં બધું ‘સિંઘમ’ સીરિઝ જેવું જ છે. ફરક માત્ર અભિનેતાનો છે. ‘સિંઘમ’માં અજય દેવગન હતો જ્યારે ‘સિમ્બા’માં રણવીર. સોનુ સૂદ આ પ્રકારની ખલનાયકી કરવામાં એક્સપર્ટ થઈ ગયો છે.

ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થવાનું નિર્ધારિત છે.