રજનીકાંતની સ્પષ્ટતાઃ ભાજપ ડેન્જરસ પાર્ટી છે એવું મેં કહ્યું નથી

0
1000

ચેન્નાઈ – દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું છે કે એમણે ભારતીય જનતા પાર્ટીને જોખમકારક પાર્ટી તરીકે ઓળખાવી નથી.

રજનીકાંતે કહ્યું છે કે આ પાર્ટી ડેન્જરસ છે કે નહીં એ લોકોએ નક્કી કરવાનું છે.

રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલા રજનીકાંતે કહ્યું કે, ‘એક પાર્ટી સામે 10 પાર્ટીઓ ભેગી થઈ છે એ જ બતાવે છે કે ખોટું કોણ છે.’

ભારતીય જનતા પાર્ટી વિશે પોતે સોમવારે કરેલી અમુક ટિપ્પણીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે એવું કહેવા માટે રજનીકાંતે આજે પત્રકાર પરિષદ બોલાવી હતી. ભાજપ ડેન્જરસ પાર્ટી છે કે નહીં એ વિશે રજનીકાંતે અંગત અભિપ્રાય આપવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું હું હજી રાજકારણમાં પ્રવેશ્યો નથી.

રજનીકાંતે કહ્યું કે, મેં ભાજપને ડેન્જરસ પાર્ટી તરીકે ઓળખાવી નથી. મેં ગઈ કાલે માત્ર એમ જ કહ્યું હતું કે વિરોધ પક્ષો જો ભાજપ સામે ભેગા થઈ રહ્યા છે તો એમને માટે ભાજપ ડેન્જરસ હોવો જ જોઈએ. કોણ ડેન્જરસ છે એ તો જનતાએ નક્કી કરવાનું છે. હું મારો અભિપ્રાય નહીં આપું, કારણ કે હું હજી રાજકારણમાં પ્રવેશ્યો નથી. ભાજપ વિશે લોકોએ નિર્ણય કરવાનો છે, પરંતુ 10 પાર્ટીઓ એક પાર્ટી (ભાજપ) સામે ભેગી થઈ રહી છે ત્યારે એ દર્શાવે છે કે ખોટું કોણ છે.