આ કંપનીમાં હિસ્સો ખરીદવા મુકેશ અંબાણી અને સુનીલ મિત્તલ વચ્ચે ટક્કરની શક્યતા

નવી દિલ્હી- ભારતીય ટેલિવિઝન નેટવર્કમાં હિસ્સો ખરીદવાને લઈને અબજોપતિ મુકેશ અંબાણી અને સુનીલ ભારતી મિત્તલ વચ્ચે ટક્કર થાય તેવી શક્યતા છે. આ બાબતોના જાણકાર લોકોનું કહેવું છે કે, બંને અબજોપતિઓમાં દુનિયાના બીજા સૌથી મોટા મોબાઈલ માર્કેટમાં કન્ટેટને લઈને હરીફાઈ છે.

મિત્તલની ભારતી એરટેલ લિમિટેડ zee એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝીસમાં હિસ્સો ખરીદવા માટે જરૂરી તૈયારીઓ શરુ કરી દીધી છે. સૂત્રોનું માનીએ તો, કંપની આ અંગે ટુંક સમયમાં જ ઔપચારિક પ્રસ્તાવ લાવશે.

જાણકારોનું માનીએ તો, અંબાણીની રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ પણ જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ (ZEEL)માં ભાગીદારી ખરીદવા માટે બોલી લગાવવા પર વિચાર કરી રહી છે. આ અંગે હાલ પ્રારંભિક સ્તર પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. જોકે હાલ કોઈ પણ પ્રકારની લેવડદેવડની જાણકારી નથી.

કંપની તરફથી સંભવિત ભાગીદારો સાથે સતત વાતચીત થઈ રહી છે. જે રીતે સરકાર ચાલુ વર્ષે 5જી સ્પેક્ટ્રમની હરાજીની તૈયારી કરી રહી છે, તે જોતા આ ડીલમાં સફળ થનાર કંપનીને વિડિયો સેવા માટે રાજસ્વની લડાઈમાં મદદ મળી શકશે.

સુભાષ ચંદ્રાની કંપની ઝી, ભારતમાં કન્ટેટની માગ સાથે જ નેટફ્લિક્સ, એમેઝોનની પ્રાઈમ સેવા અને અનેક સ્થાનિક ચેનલો પાસેથી મળી રહેલી ટક્કર સામે હરીફાઈ કરવા માટે રણનીતિક રોકાણની શોધમાં છે.