ગૃહમંત્રાલયઃ જમ્મુકશ્મીરમાં 919 લોકોનું સુરક્ષા કવચ પાછું ખેંચાયું, સાથે…

દિલ્હીઃ જમ્મુકશ્મીરમાં સુરક્ષા મુદ્દો એટલી હદે સંવેદનશીલ બની ચૂક્યો છે કે રાજ્યની અને કેન્દ્રની સરકાર કડક પગલાંઓ ભરવા છેલ્લાં કેટલાક સમયથી અગ્રેસર બની રહી છે. ગયા વર્ષે પીડીપી સાથેનું ગઠબંધન તૂટ્યું અને અનિર્ણાયક સ્થિતિ બાદ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલું છે. જે બાદ ઘણાં અગત્યના પગલાં લેવાયાં છે.કશ્મીર ઘાટીમાં અશાંત પરિસ્થિતિ વકરાવવામાં અલગતાવાદી પરિબળોની મોટી ભૂમિકા રહી છે. જેમના ટેરર ફંડિગ સામેના આકરાં પગલાં તાજેતરમાં બહાર આવ્યાં છે. ત્યારે શુક્રવારે સરકારના ગૃહમંત્રાલયે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ શાસન બાદ કુલ 919 લોકોના સુરક્ષા કવચ પાછાં ખેંચવામાં આવ્યાં છે. આ લોકોમાં 22 અલગતાવાદી નેતાઓ પણ હતાં જેઓ દેશની સુરક્ષા એજન્સીઓનું કવચ મેળવી રહ્યાં હતાં.આ ઉપરાંત જે 919 લોકનું સુરક્ષા કવચ પાછું ખેંચાયું છે તેમની તહેનાતીમાં રહેલાં 2768 પોલિસ જવાન અને 389 વાહનોને પણ આ સાથે મુક્ત કરવામાં આવ્યાં છે. કશ્મીરઘાટીમાં હિંસક બનાવોને લઇને સ્થાનિક પોલિસતંત્ર મુશ્કેલીમાં રહેતું હોય છે ત્યારે આ કુમક રાહતરુપ બની રહેશે તેમ પણ ગૃહમંત્રાલયે જણાવ્યું હતું.