ગણપતિ બાપાને ડીજે, ડોલ્બીની આવશ્યક્તા નથીઃ ફડણવીસ

0
951
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 23 સપ્ટેંબર, રવિવારે ગણેશ વિસર્જન પર્વમાં પરિવારસહ ભાગ લીધો હતો. ફડણવીસે મુંબઈમાં એમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે સ્થાપના કરેલા ગણપતિની ઈકો-ફ્રેન્ડ્લી મૂર્તિનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે ફડણવીસે ગણેશ ચતુર્થી, ગણેશ વિસર્જન અને નવરાત્રી જેવા ઉત્સવોની ઉજવણીમાં ડીજે (ડિસ્ક જોકી) અને ડોલ્બી મ્યુઝિક સિસ્ટમના વિવાદનો ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું કે ભગવાન ગણપતિને ડીજે અને ડોલ્બીની કોઈ આવશ્યક્તા જ નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ હાઈ કોર્ટે આ ધાર્મિક ઉત્સવો વખતે ડીજે-ડોલ્બીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે તે છતાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે આજે ગણેશ વિસર્જનના સરઘસ વખતે લોકોએ ડોલ્બી સંગીત વગાડીને ઘોંઘાટ કર્યો હતો અને નિયમભંગ કર્યો હતો.

મુુખ્ય પ્રધાન ફડણવીસે દક્ષિણ મુંબઈના ગિરગામ ચોપાટી ખાતે જઈને ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા તથા મુંબઈ પોલીસે કરેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી. એમની સાથે એમના પત્ની અમૃતા તથા મુંબઈના મેયર મહાડેશ્વર પણ હતાં.