અર્બન હીટ આઇલેન્ડની અસર

મે મહિનાની શરૂઆતમાં જ ભારતીય મહાનગરો દિલ્હીમાં 33 ડિગ્રી સેલ્સિયસ, ચેન્નઈ તથા બેંગલુરુમાં 37 ડિગ્રી સેલ્સિયસ તેમજ મુંબઈમાં 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ‘અર્બન હીટ આઇલેન્ડ’ની અસરને લીધે છે. આ હીટની અસર ત્યારે નોંધપાત્ર છે. જ્યારે આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરો વધુ ગરમ હોય છે.

અર્બન હીટ આઇલેન્ડ કઈ રીતે શહેરોને વધુ ગરમ બનાવે છે?

‘અર્બન હીટ આઇલેન્ડ’ અસર મહદ્અંશે શહેરીકરણ જેમ કે, શહેરોમાં માળખાકીય સુવિધા, ઈમારતો ઉભી કરવાને લીધે છે. જે કુદરતી લેન્ડ્સ્કેપ કરતાં વધુ અસરકારક રીતે ગરમીને શોષીને સંગ્રહીત કરી રાખે છે.

અર્બન હીટ આઇલેન્ડઃ કારણો અને અસરો

  • શહેરોમાં રસ્તાઓ પર વાપરવામાં આવેલી સામગ્રી જેમ કે, કોંક્રીટ અને ડામર દિવસ દરમિયાન ગરમીને શોષે છે અને રાત્રે તેને ધીમે ધીમે છોડે છે. જેના કારણે તાપમાન ઉંચું રહે છે.
  • શહેરોમાં લીલાં છોડ, વૃક્ષો, હરિયાળીનો અભાવ ઉંચું તાપમાન નોતરે છે અને હીટ વેવની અસર વધારે છે.અન્ય કારણોમાં મેટ્રોપોલિટન શહેરોમાં પરિવહન, ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને એર કન્ડિશનીંગ વધુ ઉર્જા ખેંચે છે અને હવામાં ગરમી છોડે છે. જે ઉર્જા સ્ત્રોતો પર વધુ તાણ પણ લાવે છે અને તેથી પાવર આઉટેજ પણ થાય છે.
  • શહેરોમાં જગ્યાના અભાવે ઈમારતો એકબીજાને અડીને બાંધવામાં આવે છે. ત્યારે તે હવાના પ્રવાહને અવરોધે છે અને માળખાંઓની બંધિયાર જગ્યાઓ વચ્ચે ગરમીનું નિર્માણ કરે છે. જેથી તે જગ્યાનું તાપમાન વધી જાય છે.
  • શહેરોમાં પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા નબળી હોય છે. તેમજ શહેરોમાંથી પસાર થતા પાણીના પ્રવાહ તેની આસપાસ રહેલાં છોડ તેમજ પ્રાણીઓને પણ અસર કરે છે.
  • આ શહેરી ઉષ્મા તે વિસ્તાર ઉપરાંત તેની આસપાસના તાપમાનમાં વધારો કરીને એકંદરે ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપે છે.

શું અર્બન હીટ આઇલેન્ડ અને આબોહવા પરિવર્તન સમાન છે?

અર્બન હીટ આઇલેન્ડ અને આબોહવા પરિવર્તન સમાન નથી. પરંતુ એકબીજાને સંબંધિત છે.અર્બન હીટ આઇલેન્ડ ત્યારે બને છે. જ્યારે શહેરો તેમની આસપાસના વિસ્તારો કરતાં વધુ ગરમ હોય છે. જ્યારે આબોહવા પરિવર્તન એ પૃથ્વી ઉપર લાંબા ગાળાની ઉષ્ણતા છે. જે હવામાં ભરાયેલા ગેસને કારણે ગરમીને વધારે છે.

અર્બન હીટ અને આબોહવા પરિવર્તન આ બંનેને કારણે શહેરો વધુ ગરમ થઈ રહ્યાં છે. જેમ જેમ વધુ લોકો શહેરોમાં સ્થળાંતર કરશે તેમ તેમ આ સમસ્યા વધતી રહેશે. માણસોની વસતી શહેરોમાં વધવાને લીધે ગરમીની સમસ્યા વધી રહી છે. જેથી ભવિષ્યમાં હજુ વધુ હીટવેવનો સામનો કરવો પડી શકે છે. એથી જ શહેરોનું તાપમાન નીચું લાવવા અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવાના રસ્તાઓ શોધવાનું મહત્વપૂર્ણ બની રહેશે!