ઉબરને ભારતમાં એર ટેક્સી સેવા શરૂ કરવામાં રસ છે

0
888

રાઈડશેરિંગ કંપની ઉબરનો દાવો છે કે જો એને મુંબઈમાં પોતાની એર ટેક્સી સેવા શરૂ કરવા દેવામાં આવે તો લોકોનો ટ્રાવેલ સમય 90 ટકા જેટલો ઘટી શકે છે.

ઉબર તેની એર ટેક્સી સેવાના સૌપ્રથમ કમર્શિયલ લોન્ચિંગ માટે અમેરિકાના બે શહેર પસંદ કર્યા છે – ડલ્લાસ અને લોસ એન્જલિસ. આ બે શહેરમાં તે 2023ની સાલ સુધીમાં એર ટેક્સી સેવા શરૂ કરવાની છે. હવે તે આ યાદીમાં કોઈક ત્રીજા શહેરનો પણ ઉમેરો કરવા માગે છે.

આ માટે એણે અમેરિકાની બહારના પાંચ દેશોને પસંદ કર્યા છે – ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ફ્રાન્સ. આ પાંચમાંથી તે કોઈ એક દેશ અને એના કોઈ એક શહેરને પસંદ કરશે.

ઉબર એવિએશન પ્રોગ્રામના ચીફ એક્ઝિક્યૂટિવ એરિક એલિસનનું કહેવું છે કે મુંબઈમાં પશ્ચિમી ઉપનગરમાં આવેલા એરપોર્ટથી મુંબઈના દક્ષિણ ભાગમાં આવેલા ચર્ચગેટ સુધી રોડ માર્ગે જવું હોય તો  100-મિનિટનો સમય લાગે છે. પણ જો ઉબેરની એર ટેક્સી સેવા શરૂ થાય તો એ અંતર ઘટીને માત્ર 10 મિનિટનું થઈ જાય.

એર ટેક્સી સેવામાં, હેલિકોપ્ટર જેવા અને મલ્ટીપલ રોટર્સ (પંખા)વાળા વાહનોને ઉતારવા માટે બહુમાળી ઈમારતોની અગાશીનો ઉપયોગ કરવામાં આવશે અને ખાસ સ્કાયપોર્ટ્સ પણ બાંધવામાં આવશે.

આ વાહનો નીચી સપાટીએ ઉડશે જેથી હવાઈસીમાને જેટ વિમાનો માટે મુક્ત રાખી શકાય અને ધ્વનિ સ્તર પણ ઓછું રહે.

અમેરિકાસ્થિત ઉબર કંપનીને એની સેવા શરૂ કરવા માટે ભારતની પસંદગી કરવામાં રસ છે, કારણ કે અમેરિકાની બહાર ભારતને એ તેની સૌથી મોટી માર્કેટ ગણે છે.

મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ જેવા ભારતના મોટા શહેરોમાં ટ્રાફિક-જામની સમસ્યા ખૂબ રહેતી હોય છે. એને કારણે દર વર્ષે રૂ. 1.5 લાખ કરોડની આર્થિક ખોટ જાય છે.