કર્ણાટકની ચૂંટણીમાં લેવાયું કવિનું નામ ને પછી…

ચૂંટણીઓ વખતે ચબરાકિયા સૂત્રો અને સ્લોગનો વડે હરિફોને ભૂંડા લગાડવાની કોશિશ નવી વાત નથી. થોડા ભણેલા નેતાઓ કવિતાઓ પણ ટાંકતા હોય છે અને કેટલાક શોખીન નેતાઓ શાયરીઓ પણ ફટકારતા હોય છે. શાયરી પણ ફટકારવાની ચીજ છે એ નેતાઓના મોઢે સાંભળીએ ત્યારે સમજાઈ જાય. કર્ણાટકની ચૂંટણીમાં જુદા સંદર્ભમાં એક કવિને યાદ કરાયા અને રાબેતા મુજબ વિવાદ વધી પડ્યો છે. તમે વિચાર કરો ગુજરાતમાં કોઈ નેતા નરસિંહ મે’તાને યાદ કરે તો શું થાય? કંઈ ના થાય, સારું લાગે કે એક જૂના કવિ અને વળી સંતકવિને નેતાઓ પણ યાદ કરે છે. કર્ણાટકના આવા જ એક સંત કવિ એટલે કુવેમ્પુ. નરસિંહ મહેતા જેટલા જૂના નથી, પણ લોકપ્રિય એટલા ખરા, કેમ કે તેમનું સાહિત્ય કર્ણાટકમાં ઘરે ઘરે પહોંચ્યું છે એમ કહી શકાય. બંને ધર્મની રૂઢિઓના વિરોધી. નરસિંહે હરિજનવાસમાં જઈને ભજનો ગાયા, નાગરીનાતે નાત બહાર મૂક્યા તો ગાયું કે એવા રે અમે એવા, તમે કહો છો વળી તેવા. પણ વૈષ્ણવ જન તો તેને રે કહીએ … નરસૈયો પારકી પીડાના જાણકારને વૈષ્ણવજન કહે છે એટલે ધર્મથી તે દૂર પણ નથી. પેલા ડાબેરી, ઉદારવાદી જેવું નથી. કુવેમ્પુમાં પણ એ જ વાત છે. તે સંસ્કૃત સારી રીતે જાણે અને સર્વોચ્ચ શક્તિની ઉપાસના કરવાનું કહે, પણ નાતજાતના વાડા તેમને હરગીજ મંજૂર નહી.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કર્ણાટક ચૂંટણી જીતી જવા માટે સમગ્ર શક્તિને કામે લગાવી રહ્યા છે ત્યારે તેમણે પણ કુવેમ્પુને યાદ કર્યા. તેમણે રચેલા કર્ણાટકના રાજ્યગીતની પંક્તિઓ યાદ કરી કે ‘સર્વ જનાંગદ શાંતિય થોટ’, અર્થાત સૌ માટે શાંતિનો બગીચો બની રહે. કર્ણાટક સૌનું છે એમ આડકતરી રીતે અમિત શાહે કહ્યું અને કોંગ્રેસના સીએમ સિદ્ધરમૈયાને ટોણો માર્યો કે તમે લિંગાયતને લઘુમતી જાહેર કરીને કર્ણાટકના બગીચામાં ભાગલા પાડી રહ્યા છો. જોકે આ ખેલના જૂના ખેલાડી સિદ્ધરમૈયા નીકળ્યા. સિદ્ધરમૈયા મૂળ કર્ણાટકના છે એટલે સ્વાભાવિક છે કે તેઓ કુવેમ્પુ વિશે વધુ જાણતા હોય. તેમણે તરત જ વળતો ઘા માર્યો કે અમિત શાહે માત્ર એક જ પંક્તિ કેમ કહી, તે પછી તરત આવતી પંક્તિ પણ તેમણે વાંચવી જોઈતી હતી. તરતની જ બીજી પંક્તિમા કુવેમ્પુએ લખ્યું છે કે ‘હિન્દુ ખ્રય્સ્ત મુસલમાના, પારસિક જૈન ઉદયયાના’. અર્થાત આ બગીચામાં હિન્દુ, ખ્રિસ્તી, મુસલમાન, પારસી અને જૈન પણ ખીલે છે.કવિએ સારા ઉદ્દેશથી કવિતા લખી હતી. કર્ણાટકના ગુણગાન તેમણે ગાયા અને કર્ણાટકને ભારતની દિકરી ગણાવી, આ દિકરીનો જય હો તેવું ગાન છે, પણ રાજકારણીઓના હડફેડે ચડીને આ ગીત વિવાદની જેમ ઉછળવા લાગ્યું છે. કર્ણાટક બહારના લોકોને ઝડપથી ના સમજાય તેવી ગૂંચ થઈ ગઈ છે, કેમ કે લિંગાયતને લઘુમતી ગણવાની, તેમને અલગ ગણવાની, શૈવમાં પણ જુદા પ્રકારના શૈવ ગણવાની, લઘુમતીની, વર્ણ વ્યવસ્થાના વિરોધની અને હિન્દુ મુસ્લિમની વાત તથા જ્ઞાતિવાદની માત્ર વાત નથી. જ્ઞાતિવાદ પણ આમાં આવી ગયો છે, કેમ કે લિંગાયતના ગુરુ એટલે બસવેશ્વરા, જ્યારે કુવેમ્પુ એટલે વોક્કાલિગા. કોંગ્રેસે લિંગાયતના મતો લેવાની કોશિશ કરી તો ભાજપે કુવેમ્પુને યાદ કરીને વોક્કાલિગાને રાજી કરવાની કોશિશ કરી.

સાચી વાત એ છે કે આવી રીતે બેમાંથી એક પણ પક્ષ એક પણ જ્ઞાતિને રાજી કરી શકશે નહિ. બસવેશ્વરા અને કુવેમ્પુ નોખી માટીના માનવી હતા. એ નરસૈયા કુળના જણ હતા. તમે તેમને વર્ણ વ્યવસ્થાના વિરોધ પછીય ધર્મના વિરોધી ના કહી શકો. બસવેશ્વરાએ સર્વ જીવમાં શીવની વાત કરી છે. કુવેમ્પુ અદ્વૈતની વાત કરે છે – આત્મા એ જ પરમાત્મા છે.

બીજું બસવન્નાની જેમ કુવેમ્પુએ વર્ણ વ્યવસ્થાનો, મંદિર, મસ્જિદ અને ચર્ચનો ભરપુર વિરોધ કર્યો હતો. તેઓ કહેતા હતા કે આ ધર્મના સ્થાનમાં ના જાવ, તમારી અંદર જાવ. તમારો ધર્મ તમને તમારા અંતરાત્મામાં મળશે. તેઓ પરંપરાના વિરોધી પણ નહોતા. પ્રાચીન ગ્રંથોમાંથી શ્રેષ્ઠને તેઓ આવકારતા હતા. નરસૈયો પણ ગાતો હતો કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ મહાનુભાવોને સમજવા માટે શુદ્ધ આત્મા જોઈએ, રાજકારણથી ભરેલા આત્મા તેમને સમજી ના શકે. એટલે કોંગ્રેસ અને ભાજપ બંને, બસવન્ના અને કુવેમ્પુ, લિંગાયત અને વોક્કાલિગા, હિન્દુ અને મુસ્લિમ એમ બંને શબ્દોનું રટણ કર્યા કરે છે, પણ તેમના મનમાં કરુણા નથી, કપટ છે.

કર્ણાટકમાં કોઈ એવું ના કહે કે બસવેશ્વરા માત્ર લિંગાયતના, અમારા નહિ. કોઈ એવું ના કહે કે કુવેમ્પુ વોક્કાલિગાના, અમારા નહિ. આ બંને કર્ણાટકની અસ્મિતાના પ્રહરી છે. નરસૈયાનું નામ લઈએ ત્યારે તેની જ્ઞાતિ યાદ ના આવે. તે સૌના છે. સરદાર પટેલ માત્ર પટેલોના છે એમ ગુજરાતમાં કોઈ ના કહે, તે સૌના છે.

કુવેમ્પુ 1904માં જન્મ્યા હતા અને 1994 સુધીનું સુદીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. તેમનું સાહિત્ય દલિત સાહિત્ય ગણાતું હતું, પણ તેમાંથી આગળ વધીને તે સર્વમાન્ય સાહિત્ય બન્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દલિત સાહિત્યની એક અલગ પરંપરા ઊભી થઈ હતી, પણ તેમાંથી ખરેખર જે સાહિત્ય હતું તે સાહિત્ય દલિત સાહિત્યમાંતી સર્વસાહિત્ય બન્યું હતું. હંમેશા બનતું જ હોય છે, કેમ કે સર્જનહાર ક્યારેય ભેદ કરતો નથી. કવિ અને સાહિત્યકાર સર્જક છે. તેને ભેદ કરવો પાલવે નહિ. ભેદ તો નેતાઓ કરતા રહે છે, આ મારો મતદાર અને પેલો તમારો મતદાર.

કર્ણાટકમાં ત્રણ પ્રકારના મતદારોના ભાગ નેતાઓએ પાડી દીધા છે. કુવેમ્પુનુ કાવ્ય કર્ણાટકનું રાજ્ય કાવ્ય ગણાય છે. (નેટ પર સર્ચ કરીને સાંભળી શકશો.) કોંગ્રેસના સીએમ સિદ્ધરમૈયાએ કર્ણાટકના અલગ ધ્વજની પણ વાત કરી છે. તેથી ભાજપે તેની જૂની રાષ્ટ્રવાદની ચાલ ચાલીને કર્ણાટકના મતદારોને રાષ્ટ્રવાદી અને બિનરાષ્ટ્રવાદી એવા ભાગ પાડવાની કોશિશ કરી છે. કોંગ્રેસે મોકો જોઈને લિંગાયત માટે લઘુમતી દરજ્જાની ભલામણ કરીને લિંગાયત અને વોક્કાલિગા એવા ભાગ પાડવાની કોશિશ કરી છે. લઘુમતી અને બહુમતીના ભાગલા તો જૂના પૂરાણા છે જ. આ રીતે ત્રણ ત્રણ પ્રકારના ભાગલા નાગરિકોના પાડવાની કોશિશ કર્ણાટકમાં થઈ રહી છે અને તે માટે બસવન્ના અને કુવેમ્પુ જેવા સંત કવિઓના શબ્દોનો સહારો લેવામાં આવી રહ્યો છે ત્યારે ભજન જ ગાઈને સમાપન કરવું પડે કે સબ કો સન્મતિ દે ભગવાન.