ઈકોનોમીઃ સરકાર V/S યશવંત સિંહા, હવે અરૂણ શૌરી…

અહેવાલ- ભરત પંચાલ

દેશનો છેલ્લા છ મહિનાથી સતત જીડીપી ગ્રોથ ઘટી રહ્યો છે, વેપારીઓ બૂમો પાડી રહ્યાં છે, બીજી તરફ જીએસટીના અમલમાં અને તે પછીના ફોર્મ સબમિટ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મોંઘવારી સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યાં, તો ભારતમાં છેલ્લા બે મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધ્યા છે. વિપક્ષોએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિ મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી. તો ભાજપના સીનિયર મોસ્ટ અને વાજપેયી સરકારમાં નાણાંપ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ મોદી સરકારની અને નાણાપ્રધાન અરુણ જેટલીની નીતિઓની જાહેરમાં ટીકા કરી છે. હવે અરૂણ શૌરી મેદાનમાં આવ્યાં છે. મોદી સરકાર દેશની ઈકોનોમીને પાટા પર લાવવા વિચારી રહી છે, આર્થિક રાહત પેકેજ પણ જાહેર કરે તેવી શકયતાઓ છે, ત્યારે તેમના પક્ષના સીનિયર નેતાઓ સરકારની કામગીરીની ટીકા કરીને નવો પ્રશ્ન સર્જ્યો છે.

ભાજપના સીનિયર નેતા અને અત્યારે હાલ તેમને કોરાણે મુકી દેવાયા છે, એવા પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહા પછી નોટબંધીને લઈને પત્રકારમાંથી રાજનેતા બનેલા અરૂણ શૌરીએ ભાજપ પર નિશાન તાક્યું છે. અરૂણ શૌરીએ કહ્યું છે કે નોટબંધીએ બહુ મોટી મની લોન્ડરીંગ સ્કીમ હતી. જે સરકાર દ્વારા કાળાં નાણાને સફેદ કરવા માટે લાગુ કરવામાં આવ્યું હતું. શૌરીએ એમ પણ કહ્યું હતું કે આરબીઆઈના ગવર્નરે જ કહ્યું છે કે નોટબંધી પછી 99 ટકા રદ થયેલી નોટો પાછી આવી ગઈ છે. પહેલા એમ કહેવાતું હતું કે નોટબંધથી ટેક્સ અને કાળું નાણું પાછું આવશે. પણ કશુંય આવ્યું નથી.

અરૂણ શૌરીએ જીએસટીને લઈને પણ સરકારની ટીકા કરી છે. દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જીએસટીનો અમલ કરાયો છે. આ સમય ખોટો હતો. જીએસટીને વધુ ઉતાવળે લાગુ કરાયો છે, જીએસટીની ડિઝાઈનમાં અનેક ખામીઓ હોવા છતાં લાગુ કરી દેવાયો.

આ પહેલાં પૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ તો સ્પષ્ટ કહી દીધુ હતું કે મોદી સરકારના આર્થિક નિર્ણયો પછી આવેલી મંદી પછી આગળની સરકાર પર દોષનો ટોપલો નાંખવો તે વાજબી નથી. જીએસટી લાગુ કરવામાં પણ સરકારે ખૂબ ઉતાવળ કરી છે.  આ નિવેદનો તો વાંચ્યા જ હશે…

આમ ભાજપના જ સીનિયર મોસ્ટ પ્રધાનો મોદી સરકારની આર્થિક નીતિઓની છડેચોક ટીકા કરી રહ્યા છે. તો મોદી સરકાર ત્રણ વર્ષની તેમની ઉપલબ્ધિઓને પ્રજા સમક્ષ લઈ જઈ રહી છે. તાજેતરમાં જ પીએમ મોદીએ કહ્યું હતું કે મારે આકરા પગલાં નહીં ભરવાના… સીસ્ટમને સુધારવા માટે કઠિન પગલાં ભરવા જ પડશે. તો જ સુધાર આવશે. યશવંત સિંહાએ પીએમ મોદીને મળવાનો સમય માગ્યો, તેમને મળવાનો સમય ન આપ્યો પછી યશવંતસિંહા મીડિયા સામે આવ્યાં. તો હાલના નાણાપ્રધાન અરુણ જેટલીએ તેમની મજાક કરી અને નોકરી માંગવા નીકળ્યા છે, એવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું હતું. અરે ભાઈ… રાજકારણ એકતરફ છે, પણ દેશનું અર્થતંત્ર સર્વોપરી છે. તેના સુધારા માટે સીનિયર મોસ્ટ નેતા કોઈ સૂચન કરે તો સરકારે 100 ટકા તેને સ્વીકારવું જોઈએ, અને તેમની પાસેથી વધુ કયા સુધારા કરી શકાય તેમ કહીને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. યશવંતસિંહાની મજાક ઉડાવીને અરુણ જેટલીએ રાજકીય દાવપેચ રમતા હોય તેવો જવાબ જાહેરમાં આપ્યો હતો.

યશવંત સિંહા વાજપેયી સરકારમાં નાણાંપ્રધાન હતા. અને અરૂણ શૌરી એક સારા અર્થશાસ્ત્રી પણ છે. તેમના સૂચનો દેશને કામ આવી શકે તેમ છે. સરકારે તેમને આર્થિક સુધારાની કમિટીમાં લેવા જોઈએ.

આ બધું તો ઠીક… અંદરોઅંદરની હૂંસાતૂસીને કારણે જ દેશને સહન કરવાનું આવશે. પણ ખરેખર જોવા જઈએ તો ભારતનો જીડીપી ગ્રોથ એપ્રિલથી જૂનના ત્રિમાસિકગાળામાં ઘટીને 5.7 ટકા આવ્યો છે. જે ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકાર વિદેશમાં જઈને દેશના અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરે છે, વિદેશી રોકાણ આકર્ષવા માટે થઈને સરકારની યોજનાઓના વખાણ કરે છે, પણ તેની કોઈ અસર ઈકોનોમી પર પડી જ નથી. જીડીપી ગ્રોથ ઘટીને આવ્યોને પંદર દિવસ થઈ ગયા તે પછી કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. તેણે આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી સૂચનો મંગાવ્યા છે, અને તેના પર અમલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં પોતાના જ પક્ષના સીનીયર નેતાઓએ મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી છે. જેથી કેન્દ્ર સરકાર હાલ તો બોઘવાઈ ગઈ છે.

આરબીઆઈએ ધીરાણ નીતિની સમીક્ષા કરી, ચાવીરૂપ દરોમાં કોઈ જ ફેરફાર નથી કર્યો. ઉલટાનું જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે, અને મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા માટે કોઈ પ્લાન નથી દર્શાવ્યો. હવે અર્થતંત્રની મંદી સરકાર માટે માથાના દુઃખાવારૂપ બની ગઈ છે.

ત્યાં મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા… ન્યૂ ઈન્ડિયા… સ્વચ્છતા મિશન… સ્ટાર્ટઅપ… જેવા સ્લોગનો સાથે દેશને બદલવાના સ્વપ્ન જોઈ રહી છે.