ગુજરાતઃ ક્રીમીલેયરની મર્યાદા રુ.6 લાખથી વધી 8 લાખ થઈ

ગાંધીનગર- રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ સ્તરનુ શિક્ષણ મળી રહે તે માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને અન્ય પછાત વર્ગો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો પૈકી ઉન્નતવર્ગમાંથી બાકાત રાખવા માટેની આવક મર્યાદા 6 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો પૈકી ઉન્નતવર્ગમાંથી બાકાત રાખવા માટેની આવક મર્યાદા 6 લાખ નિશ્ચિત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ મર્યાદા વધારીને 8 લાખ કરી છે અને તે અનુસાર રાજ્ય સરકાર દ્વારા પણ આવક મર્યાદા 6 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અમલ તારીખ 1/9/2017થી થશે. રાજ્ય સરકારની નોકરીઓ તેમજ ઉચ્ચ શિક્ષણ માટેની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ વખતે અનામતના લાભ માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આનો લાભ લાખો વિદ્યાર્થીઓને થશે. ઉન્નત વર્ગ માટેની આવક મર્યાદા સિવાયની અન્ય શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે.